Abtak Media Google News

બેન્કિંગ, ઓઈલ-ગેસ, કેમીકલ, સીમેન્ટ અને ફાર્માસ્યુટીકલ્સ સહિતના સેકટરમાં ભારે વેચવાલી

શેરબજારમાં આજે મંદીનું તોફાન ફરી વળતા અનેક રોકાણકારો ધોવાઈ ગયા હતા. બેન્કિંગ, ઓઈલ-ગેસ, કેમીકલ, સીમેન્ટ અને ફાર્માસ્યુટીકલ્સ સહિતના સેકટરમાં ભારે વેચવાલીના કારણે આજે સેન્સેકસ છેક ૮૯૦ પોઈન્ટ પટકાયું હતું. ત્યારબાદ ધીમી ગતિએ રીકવરી થઈ હતી. જો કે, ૬૦૦ પોઈન્ટના કડાકાથી અનેક રોકાણકારોના શ્ર્વાસ અધ્ધર થઈ ગયા હતા.

આ લખાય છે ત્યારે સેન્સેકસ ૩૯૯૫૧ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફટી ૧૧૭૩૪ના આંક પર છે. વૈશ્ર્વિક બજારોની અસર અને વેચવાલીના પ્રેશર વચ્ચે આજે ફરીથી સેન્સેકસ ૪૦,૦૦૦ની નીચે સરકી ગયો હતો. સેન્સેકસ લાંબા સમયથી ૪૦,૦૦૦ના આંકને પાર કરવા પ્રયાસ કરી રહ્યો છે. અલબત ૨ થી ૩ દિવસની તેજીમાં સેન્સેકસ ઘણો રીકવર થયો હતો પરંતુ ઉપરા ઉપરી કડાકાના કારણે ફરીથી સેન્સેકસ ૪૦,૦૦૦ નીચે પહોંચી ગયો છે. આજનો લો ૩૯૭૭૪ રહ્યો હતો. જ્યારે હાઈ ૪૦,૬૬૪ પર રહ્યો હતો.

આજે ઈન્ડુસીન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી, ટેક મહિન્દ્રા અને બજાજ ફાયનાન્સ તેમજ અલ્ટ્રા ટેક સીમેન્ટ સહિતના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બીજી તરફ ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા શેરમાં નજીવી ખરીદદારી થઈ હતી. બેન્કિંગ સેકટરની હાલત કફોડી રહી હતી. નોંધનીય છે કે, ટ્રેડીંગ સત્રના પ્રથમ દિવસે પણ અનેક રોકાણકારોના નાણા ધોવાઈ ગયા હતા. આજે કોમોડીટી અને કરન્સીમાં પણ ગાબડુ પડ્યું હતું. આ લખાય છે ત્યારે સીલ્વરમાં રૂ.૪૦૩ જ્યારે ગોલ્ડ રૂ.૧૩૬ નીચુ છે. બીજી તરફ ડોલર સામે રૂપિયો ફરીથી તૂટ્યો છે. ૧ ડોલર સામે ૦.૧૭ પૈસા તૂટ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.