Abtak Media Google News

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ફરજિયાત બનાવેલો કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન સબમીટ કરવાની લાપરવાહીના કારણે અનેક પ્રોજેકટસને અસર

તંત્રની બેદરકારીના કારણે રૂ.૧૨ હજાર કરોડના રોકાણ ધરાવતું છારા ગ્રીન ફિલ્ડ પોર્ટ અને એલએનજી ટર્મીનલનો પ્રોજેકટ અધ્ધરતાલ છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન ફરજીયાત બનાવાયો છે. જેને સબમીટ કરવામાં તંત્ર ઉણુ ઉતર્યું છે. પરિણામે કુલ ૫૦ હજાર કરોડના પ્રોજેકટ ઉપર જોખમ તોળાઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.

ગત નવેમ્બર મહિનામાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પર્યાવરણ મંત્રાલય તથા ફોરેસ્ટ વિભાગને આદેશ આપ્યો હતો કે, જે પ્રોજેકટ પાસે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન ન હોય તેને મંજૂરી આપવામાં આવે નહીં. વિગત અનુસાર હાલ રાજયમાં જે.ટી., પોર્ટસ અને કોસ્ટલ કોમ્યુનિટીસ સહિતના ૨૩ પ્રોજેકટ ચાલી રહ્યાં છે. જેમાં કુલ રૂ.૫૦ હજાર કરોડનું અંદાજીત મુડી રોકાણ થયું છે. શાપુરજી પલોનજી ગ્રુપ દ્વારા જૂનાગઢ જિલ્લામાં છારા ગ્રીન ફીલ્ડ પોર્ટ વિકસાવવામાં આવી રહ્યું છે. જેમાં ૧૨ હજાર કરોડના મુડી રોકાણની અપેક્ષા છે.

કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન આપવા માટે તંત્રએ તારીખ પે તારીખ જેવો ઘાટ રચ્યો છે. ૨૦૧૧ થી ૨૦૧૮ (ઓગસ્ટ)ની ડેડલાઈન તંત્ર ચૂકી ગયું છે. આટલા લાંબા સમય છતાં તંત્રએ પ્લાન સબમીટ કરવાની તસ્દી લીધી નથી. ઢોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન (એસઆઈઆર) જેવા સરકારી પ્રોજેકટ પણ ઘોંચમાં મુકાયા છે.

સુત્રોના જણાવ્યાનુસાર કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) કાયદો વર્ષ ૧૯૯૧માં પ્રસ્થાપિત થયો હતો. ત્યારથી અત્યાર સુધીમાં કોઈને કોઈ કારણોસર આ કાયદાની અમલવારી યોગ્ય રીતે થઈ નથી. સરકાર અવાર નવાર આ કાયદાનો ભંગ કરતી હોવાથી વડી અદાલત અને એનજીપીમાં જંગ છેડાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.