Abtak Media Google News

વોર્ડ નં.૧૧માં મવડી વિસ્તારમાં પાણીની પાઈપલાઈન અને વરસાદી પાણીના નિકાલ માટે રૂ.૨૪ કરોડના ખર્ચે નેટવર્ક ઉભું કરાશે: કાલે સ્ટેન્ડિંગમાં ૩૧ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ શાખામાં વર્ષ ૧૯૭૭નું સ્ટાફ સેટઅપ છે. મહાપાલિકાની હદમાં રૈયા, નાનામવા, મવડી, કોઠારીયા અને વાવડીનો સમાવેશ થતા કોર્પોરેશનની હદ તેમજ કામગીરીમાં વધારો થયો છે.

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આગામી દિવસોમાં નવા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી પણ હાથ પર લેવાની હોય ફાયર બ્રિગેડ શાખામાં નવી ૪૧ જગ્યાઓ ઉપસ્થિત કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. હવે માત્ર એડવાન્સ નહીં પરંતુ વેરો ભરતા તમામ કરદાતાઓને ભીના અને સુકા કચરાના એકત્રી કરણ માટે બે ડસ્ટબીન વિનામૂલ્યે આપવામાં આવશે. કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ ૩૧ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, હાલ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ શાખામાં એક ચીફ ફાયર ઓફિસર, એક ડે.ચીફ ફાયર ઓફિસર, ૬ સ્ટેશન ઓફિસર, મવડી ખાતે ૪ સ્ટેશન ઓફિસર, ૧૬ રીડીંગ ફાયરમેન, ૧ સિનીયર કલાર્ક, ૩૭ ફાયરમેન, ૮૭ ડ્રાઈવર, ૯ જુનિયર કલાર્ક, ૧ પેટ્રોલપંપ સંચાલક, ૪૯ કલીનર કમ જુનિયર ફાયરમેન, ૧૨ કલીનર, બે પટ્ટાવાળા અને એક પેટ્રોલપંપ પગી સહિત કુલ ૨૨૭ કર્મચારીઓનું સેટઅપ છે જે વર્ષ ૧૯૭૭નું છે.

૧૯૯૮માં મહાપાલિકામાં રૈયા, નાનામવા અને મવડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ૨૦૧૫માં કોઠારીયા અને વાવડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે મહાપાલિકાનો વિસ્તાર અને કામગીરીમાં વધારો થયો છે. આગામી દિવસોમાં શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં નવા ફાયર બ્રિગેડ સ્ટેશન બનાવવાની પણ વિચારણા ચાલી રહી છે ત્યારે ફાયર બ્રિગેડ શાખામાં નવી ૪૧ જગ્યાઓ ઉભી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જેમાં સ્ટેશન ઓફિસરની ૬, રીડીંગ ફાયરમેનની ૧૦, ફાયરમેનની ૧૦, કલીનર કમ જુનિયર ફાયરમેનની ૧૫ જગ્યાઓ ઉભી કરવામાં આવશે. નવી જગ્યા ઉપસ્થિત થયા બાદ ફાયર બ્રિગેડ શાખાનું સ્ટાફ સેટઅપ ૨૬૮નું થઈ જશે.

તેઓએ વધુમાં ઉમેયુર્ં હતું કે, સ્વચ્છ ભારત મિશન અન્વયે એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાઓને મહાપાલિકા દ્વારા ભીના અને સુકા કચરાનું અલગ-અલગ એકત્રિકરણ માટે મહાપાલિકા દ્વારા વિનામૂલ્યે બે ડસ્ટબીન આપવામાં આવતી હતી.

હાલ સ્વચ્છ ભારત સર્વેક્ષણ ચાલી રહ્યું છે અને મહાપાલિકા દ્વારા ભીના અને સુકા કચરાના અલગ-અલગ એકત્રિતકરણ માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૧,૦૩,૦૦૦ ડસ્ટબીનનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. હજી મહાપાલિકા પાસે ૭૦ હજાર ડસ્ટબીન સ્ટોકમાં છે. હવે માત્ર એડવાન્સ ટેકસ ભરપાઈ કરનારને નહીં પરંતુ ટેકસ ભરનાર તમામ કરદાતાને વિનામૂલ્યે લીલા અને વાદળી કલરની ડસ્ટબીન મફતમાં આપવામાં આવશે.

આ ઉપરાંત કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.૧૧માં ટીપી સ્કીમ નં.૨૬,૨૭ અને ૨૮ (મવડી એરીયા)માં પ્રોવાઈડીંગ, સપ્લાઈંગી, લોઅરીંગ, જોઈનીંગ, ટેસ્ટીંગ માટે ડીઆઈ ડીસ્ટ્રીબ્યુટર નેટવર્ક ૧૦૦ એમએમ અને ૭૦૦ એમ ડાયા પાઈપલાઈન નેટવર્ક તથા એમ.ડી.પી.આઈ. હાઉસ કનેકશન બનાવવા માટે રૂ.૧૬.૩૦ લાખ અને વરસાદી પાણીના નિકાલ માટેનું નેટવર્ક ઉભું કરવા માટે રૂ.૮.૦૯ કરોડનો ખર્ચ મંજુર કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે. કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ ૩૧ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.