યોગ સેન્ટરનાં ભાડામાં ૫૦ ટકાનો કાપ સ્કેટીંગ રીંગ, ફૂટબોલ ગ્રાઉન્ડની લ્હાણી

સફાઈ કામગીરી માટે રૂ૫.૨૧ કરોડનો ખર્ચ મંજુર

ચેરમેન ઉદયભાઈ કાનગડનાં અધ્યક્ષ સ્થાને કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે ૧૦.૫૨ કરોડનાં વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. દુકાનોનું વેચાણ, સ્કેટીંગ રીંગ, ફુડ કોર્ટ, માછલીઘર અને ફુટબોલ ગ્રાઉન્ડ ભારે આપવાના નિર્ણય લેવાથી રૂ૬.૩૧ કરોડની આવક પણ થવા પામી છે. યોગ સેન્ટરનું ભાડુ ૧૦૦૦ રૂપિયા કરવાની દરખાસ્ત હતી જેમાં સ્ટેન્ડિંગે ૫૦ ટકાનો કાપ મુકી ૫૦૦રૂપિયા રાખવાનો નિર્ણય લીધો છે. સ્પોર્ટસની સુવિધાઓ ખાનગી સંસ્થાઓને સોંપી દેવાની તમામ દરખાસ્તોને મંજુર કરવામાં આવી છે.

ઇન્ડોર સ્ટેડિયમ પરીસરમાં આવેલી સ્કેટીંગ રીંગ એક વર્ષ માટે ભાડે આપવામાં આવી છે. જયારે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ફુડ કોટનું સંચાલન ૫ વર્ષ માટે સોંપવામાં આવ્યું છે. આજીડેમ સંકુલ ખાતે આવેલું માછલીઘરનું સંચાલન પણ પાંચ વર્ષ માટે સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈપણ સુવિધા ઉભી કર્યા બાદ તેની નિભાવણી કરવામાં જાણે મહાપાલિકા નાદાર સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. રેસકોર્સ સંકુલ સ્થિત ફુટબોલ ગ્રાઉન્ડ એકેડેમી કે કોચિંગ માટે ખાનગી સંસ્થાને બે વર્ષ માટે સોંપી દેવામાં આવ્યું છે જેના થકી રૂ૪.૪૧ લાખની આવક થશે. જયારે અલગ-અલગ રમત-ગમતની સુવિધાનું મેન્ટેનન્સ રાજકોટ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશનને સુપ્રત કરવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી છે.

રેસકોર્સમાં યોગ સેન્ટરનું ભાડુ અને વપરાશનાં નિયમો નકકી કરવા માટે દરખાસ્ત રજુ કરાઈ હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા યોગ સેન્ટરનું ભાડુ પ્રતિ દિન રૂ.૧૦૦૦ માટે સુચવવામાં આવ્યું હતું જે રૂ૫૦૦ રાખવાનો સ્ટેન્ડિંગ દ્વારા નિર્ણય લેવાયો છે.

Loading...