શ્રીનગરમાં આતંક મચાવે તે પહેલાં ૪ આતંકીઓ ઠાર

જમ્મુના નગરોટામાં ટ્રકમાં ગોળા-બારૂદ લઈને જમ્મુથી શ્રીનગર જઈ રહેલા આતંકીઓનો ટ્રક સેનાએ બ્લાસ્ટ કરી ઉડાવી દીધો

જમ્મુના નગરોટામાં સેનાએ આજે સવારે જૈશના ૪ આતંકીઓને ઠાર કરી દીધા હતા. ચારેય આતંકીઓ ટ્રકમાં ગોળા-બારુદ લઈને જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા. સેનાને આ આતંકીઓ વિશેની માહિતી મળી હતી. નગરોટામાં આવેલા ટોલ પ્લાઝા પર તેમને રોકવામાં આવ્યા હતા. સેનાએ આંતકીઓને સરન્ડર કરવા કહ્યું હતું, પરંતુ તેઓ ના માન્યા. તેમણે સેના પર ગ્રેનેડ ફેંક્યા હતા. અંતે સેનાએ બ્લાસ્ટ કરીને ટ્રકને ઉડાવી દીધી અને ચારેય આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા. જમ્મુ-શ્રીનગર હાઈવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરના ડીજીીપી દિલબાગ સિંહના જણાવ્યા પ્રમાણે, જૈશના ચાર આંતકીઓએ બુધવારે રાતે સાંબામાં આંતરરાષ્ટ્રીય સીમાથી ઘૂસણખોરી કરી હતી. તેઓ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક ટ્રકમાં જઈ રહ્યા હતા. પોલીસે નગરોટા પાસે એક ટોલ પ્લાઝા પર તેમને રોક્યા હતા. આંતકીઓએ પોલીસ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે. હાલ આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર આ બીજુ એન્કાઉન્ટર છે. સેનાએ જાન્યુઆરીમાં ૩ આતંકીઓને ઠાર કર્યા હતા. તેઓ પણ આ રીતે જ એક ટ્રકમાં છુપાયા હતા. નોંધનીય છે કે, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સોમવારે રાતે બે આતંકીઓની ધરપકડ કરી છે. બંને પાસેથી અમુક મહત્વના દસ્તાવેજ અને વિસ્ફોટકો મળ્યા છે. ધરપકડ કરાયેલા બંને આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા અને કુપવાડાના રહેવાસી છે. તેઓ વોટ્સએપ ગ્રૂપથી પાકિસ્તાન વાત પણ કરતાં હતા.

Loading...