Abtak Media Google News

૩ બીએચકેના ૧૬૨  આવાસ સામે ૭૬ અરજીઓ આવતા  ૩૦મી સુધી ફોર્મ સ્વીકારાશે

પ્રધાનમંત્રી આવાસ યોજના  હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણાધિન   વિવિધ કેટેગરીના ખાલી ૬૮૮ આવાસો અંગે હાલ ફોર્મ વિતરણ ચાલુ છે.  ૬૮૮ ખાલી આવાસની સામે ૩૨૦૮ અરજીઓ પરત આવી ગયેલ છે. જેમાં ૨૦૧ અરજીઓ ઓનલાઈન સીસ્ટમ અનુસાર આવેલ છે. ઇડબ્લ્યૂયએસ ૧,ઈડબ્લ્યૂએસ ૨ તથા એલ આઈ જી કેટેગરીના આવાસની સાપેક્ષમાં અંદાજીત ૬ ગણા ફોર્મ આવી ગયેલ હોઈ મુદત વધારવા અંગે કોઈ વિચારણા નથી. આ અંગે  રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રાએ જણાવ્યું કે રૂડાના આવાસ કોરોનાના કપરા સમયમાં નાની કિંમતમાં લોકોના ઘરના ઘરના સ્વપ્ને સાકાર કરતી યોજના પ્રત્યે લોકો વધુ વિશ્વાસ દર્શાવતા થયા છે તે ખુબ આનંદની વાત છે. આવેલ ફોર્મ અંગે હાલ ડેટા એન્ટ્રી ચાલુ છે તથા ડેટા એન્ટ્રી થયા બાદ ફોર્મ ચકાસણીની કામગીરી શરુ કરવામાં આવશે. ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ વહેલી તકે ડ્રો ની કાર્યવાહી કરવા અંગે કામગીરી ગતિમાન કરવા અંગે આયોજન કરવામાં આવેલ છે. ડ્રો અંગે અરજદારોને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે જેથી લોકોએ આ અંગે પૂછપરછ કરવા રૂડા કચેરીએ ધક્કો ખાવાની જરૂરિયાત નથી. વધુમાં એમઆઈજી કેટેગરી માટે ફોર્મ મેળવવા તથા ડીપોઝીટ સાથે ફોર્મ ભરી પરત આપવાની તારીખ ૩૦ મી સુધી લંબાવવા નિર્ણય કર્યો છે. એમ આઈ જી  કેટેગરીના ૧૬૨ ખાલી આવાસોની સામે ૭૬ અરજીઓ પરત આવેલ હોઈ માન્ય રહેલ તમામ અરજીઓને આવાસ ફાળવણી થવાની પૂર્ણ શક્યતા રહે છે. તો રાજકોટના સ્વર્ગ સમા ગણાતા એવા કાલાવાડ રોડ વિસ્તારમાં સૌથી વિકસિત એવા ઇસ્કોન મંદિર થી તદન નજીક કાલાવડ રોડ થી ફક્ત ૨૦૦ મીટરના અંતરે રોડ ટચ હાઈરાઈઝ ફલેટ્સમાં મકાન મેળવવાની આ અમુલ્ય તક છે. ૬ લાખ થી ૭.૫૦ લાખ ની વચ્ચેની કુટુંબની વાર્ષિક આવક ધરાવતા લોકો એમ આઈ જી  પ્રકારના આવાસ માટે અરજી કરી શકે છે. જેમાં એક માસ્ટર બેડ રૂમ, એક બેડ રૂમ તથા એક સ્ટડી રૂમની સુવિધા સાથે વિશાળ લીવીંગ રૂમ, સ્ટેન્ડિંગ બાલ્કની, ગ્રીન કોટા સ્ટોન તથા વોશ બાલ્કની સાથે રસોડું, એક અટેચ બાથરૂમ તથા એક કોમન બાથરૂમની સુવિધા સાથે અદ્યતન બાંધકામ વાળા ૬૦ ચોરસ મીટરના આવસો ફક્ત ૨૪ લાખની કિંમતમાં મેળવી શકાશે. ફ્લેટમાં વરમોરા કંપનીની વેટ્રીફાઈડ લાદી, ઉચ્ચ ગુણવતાના બાથરૂમ ફીટીંગ તથા સુરક્ષિત તથા ઉચ્ચ ગુણવતાના વાયરીંગ સાથે ઇલેક્ટ્રિક ફીટીંગ આપવામાં આવે છે. તો તક ચુકશો નહિ. આ અંગેના ફોર્મ આઈસીઆઈસીઆઈ બેંકની રાજકોટ શહેરની તમામ શાખાઓ માંથી મેળવી શકાશે તથા જમા કરાવી શકાશે. વધારેલ તારીખ ૩૦મી દરમિયાન અરજદાર દ્વારા ઓનલાઇન ફોર્મ પણ ભરી શકશે. જે અંગે રૂડા કચેરીની વેબસાઇટ  પરથી તા. ૩૦ મી સુધી ફોર્મ ભરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.