Abtak Media Google News

૭૭૯૪ લોકોના આરોગ્યની થઈ ચકાસણી

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવની સૂચના અને જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ૮ તાલુકાઓમાં ૩૨ આરોગ્ય સંજીવની રથો ફરતાં કરીને લોકોની આરોગ્ય તપાસ કરવાની સાથે દવા વિતરણ સહિતની આરોગ્ય સેવાઓ ઘરઆંગણે અને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. કોરોના અટકાવવાની તકેદારીના ભાગરૂપે આ પ્રબંધ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને આ રથોમાં તબીબો ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ સેવા આપી રહ્યાં છે. જિલ્લાના નગર પાલિકા વિસ્તારોમાં પણ તેની સેવાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે.

હાલમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના દિશાદર્શન પ્રમાણે વડોદરા તાલુકામાં ૫, ડભોઇમાં ૪, કરજણમાં ૪, પાદરામાં ૫, સાવલીમાં ૪, શિનોરમાં ૨, ડેસરમાં ૨ અને વાઘોડિયામાં ૫ રથો ફરતા દવાખાનાની ગરજ સારીને લોકોની આરોગ્ય તપાસ અને દવા વિતરણ કરી રહ્યાં છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું કે, આ રથો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૭,૭૯૪ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે જેમાં જોખમી રોગો થી પીડિત કો મોરબિડીટી ધરાવતા ૧,૮૩૮ લોકોનો સમાવેશ થાય છે. આ રથો દ્વારા ૩,૮૯૮ લોકોને એલોપેથીક અને ૧,૦૫૪ લોકોને હોમીઓપેથીક દવાઓ આપવામાં આવી છે. આરોગ્ય તપાસ દરમિયાન તાવથી પીડાતા ૫૨, કફ પીડિત ૭૨, શ્વાસ ની તકલીફ વાળા ૯ અને બ્લડ સુગર ધરાવતા ૧૬૯ લોકો મળી આવતા ઉચિત સારવાર, દવાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જ્યારે ૧૧૦ દર્દીઓને વધુ સારવાર માટે દવાખાને મોકલવામાં આવ્યાં છે. જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ રથના આરોગ્ય કર્મીઓની સેવાઓને બિરદાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.