Abtak Media Google News

રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સર્જાયેલું વેલમાર્ક લો-પ્રેશર ઉત્તર ગુજરાત અને રાજસ્થાન પર કેન્દ્રીત: મોનસુન ટ્રફ પણ ગુજરાત પર આવતા રાજયભરમાં ૪૮ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી: ૧૨મીએ બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર બનશે

ભારે વરસાદની આગાહીનાં પગલે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં એનડીઆરએફની ૮૩ ટીમો મોકલાઈ: રાજયભરમાં એલર્ટ: શાળા-કોલેજોમાં રજા જાહેર: અધિકારીઓને હેડકવાર્ટર ન છોડવા આદેશ=

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વેલમાર્કમાં પરિવર્તીત થતાં છેલ્લા બે દિવસથી રાજયમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. શુક્રવારે રાજયનાં તમામ ૨૫૧ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં જાણે બારેમેઘ ખાંગા થયા હોય તેવું વાતાવરણ જામ્યું છે ત્યારે આગામી ૨૪ કલાક રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે ખુબ જ ભારે છે. વેલમાર્ક જે રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સ્થિર હતું તે ઉતર ગુજરાત અને પૂર્વ રાજસ્થાન પર કેન્દ્રીત થતા આજે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ૫ થી લઈ ૧૦ ઈંચ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. અમુક વિસ્તારોમાં ૧૦ ઈંચથી પણ વધુ વરસાદ વરસી શકે છે. ખાસ કરી રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરાઈ છે. બીજી તરફ ભાગ્યે જ જોવા મળતી ઘટના બની છે જેમાં મોનસુન ટ્રફ જે રાજસ્થાન પર હતું તે ગુજરાત પર આવી ગયું છે જેની અસરનાં કારણે આગામી ૪૮ કલાક રાજયમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત ઉતર-પૂર્વ બંગાળની ખાડીમાં ૧૨મી ઓગસ્ટનાં રોજ નવું લો-પ્રેશર બની રહ્યું છે જેની અસર આવતા સપ્તાહે દેખાશે. રાજયમાં આગામી દિવસોમાં સતત વરસાદ ચાલુ રહેશે.

હવામાન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર જે વેલમાર્ક લો-પ્રેશર હતું તે ઉતર ગુજરાત અને તેની સાથે જોડાયેલા પૂર્વ રાજસ્થાન પર આવ્યું છે જેની અસરનાં કારણે આગામી ૨૪ કલાક સૌરાષ્ટ્ર માટે ખુબ જ ભારે રહે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ૫ થી લઈ ૧૦ ઈંચ સુધી વરસાદ વરસી શકે છે. અમુક વિસ્તારોમાં ૧૦ ઈંચથી પણ વધુ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આ ઉપરાંત મોનસુન ટ્રફ જે પૂર્વ રાજસ્થાન પર હતો તે ગુજરાત પર આવી ગયું છે. આવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે જે એક રીતે ગુજરાત માટે સારી અને બીજી રીતે ખતરનાક છે. આગામી ૪૮ કલાક રાજયમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. રાજયમાં અમુક વિસ્તારોમાં ૧૫ ઈંચ સુધી વરસાદ વરસી શકે છે. આજે બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભ‚ચ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.  આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં તમામ ૩૩ જિલ્લાનાં ૨૫૧ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સવારથી સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. રાજયમાં આગામી ૪૮ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં એનડીઆરએફની ૮૩ ટીમો મોકલવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.