ચાર બ્રિજ માટે ૨૩૯ કરોડ મંજૂર: આવતા સપ્તાહે મુખ્યમંત્રી કરશે ભૂમિપૂજન

સ્ટેન્ડિંગ કમીટીની મળેલી સત્તાની રૂએ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા અપાઈ ૩૬ દરખાસ્તોને મંજૂરીની મહોર: વેસ્ટ ઝોનમાં ડામર એકશન પ્લાન માટે ૫.૩૫ કરોડ મંજૂર, અમીન માર્ગ પર બનશે નવો હોકર્સ ઝોન

શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ રાજમાર્ગો પર બ્રિજ બનાવવામાં આવી રહ્યાં છે.

શહેરના હાર્દ સમા કાલાવડ રોડ પર કે.કે.વી. સર્કલ ખાતે ઓવરબ્રિજ ઉપર મલ્ટીલેવલ બ્રિજ, જડુસ રેસ્ટોરન્ટવાળા ચોકમાં ઓવરબ્રિજ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રામાપીર ચોકડી અને નાના મવા સર્કલ ખાતે અંડરબ્રિજ બનાવવા માટે રૂા.૨૩૯ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

આવતા સપ્તાહે સંભવત: ૨૧મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ ચારેય બ્રિજનું ભૂમિપૂજન કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમીટીની મળેલી સત્તાની રૂએ આજે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા ૩૬ દરખાસ્તોને મંજૂરીની મહોર મારી રૂા.૨૫૪.૮૯ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી.

મહાપાલિકામાં શાસક પાંખની મુદત ગત ડિસેમ્બર માસમાં જ પૂર્ણ થવા પામી છે. વહિવટદાર તરીકેરાજ્ય સરકાર દ્વારા મ્યુનિ.કમિશનરની જ નિમણૂંક કરી દેવામાં આવી છે. સાથો સાથ શહેરના વિકાસ કામો પર કોઈ અસર ન પડે તે માટે મ્યુનિ.કમિશનરને સ્ટેન્ડિંગ કમીટીની પણ સત્તા આપવામાં આવી છે.

આજે બપોરે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં અલગ અલગ ૩૬ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરના કાલાવડ રોડ પર કે.કે.વી.સર્કલ ખાતે મલ્ટી લેવલ બ્રિજ બનાવવા માટે રૂા.૧૨૯.૫૩ કરોડ, જડુસ રેસ્ટોરન્ટ પાસેના ચોક ખાતે ઓવરબ્રીજ બનાવવા માટે રૂા.૨૮.૫૨ કરોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નાના મવા સર્કલ ખાતે ઓવરબ્રીજ બનાવવા રૂા.૪૧.૧૨ કરોડના ખર્ચે અને રામાપીર ચોકડી ખાતે ઓવરબ્રીજ બનાવવા રૂા.૪૦.૨૧ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચારેય બ્રીજના નિર્માણનું કુલ એસ્ટીમેન્ટ ૧૭૨.૬૪ કરોડનું હતું.

જો કે ઓફર આશરે ૪૦ ટકા ઓન સાથે આવતા હવે બ્રીજ બનાવવાનો ખર્ચ ૨૩૯ કરોડે પહોંચશે અને ચારેય બ્રીજમાં ૬૬.૭૫ કરોડની તોતીંગ ઓન ચૂકવવામાં આવશે.

આ ઉપરાંંત આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં વોર્ડ નં.૫માં નવાગામ મેઈન રોડને આરએમસીની હદ સુધી ડેવલોપ કરવા માટે રૂા.૪ કરોડ, વોર્ડ નં.૧૧માં કસ્તુરી કાસા હાઈરાઈઝડ પાસેનું ટીપી રોડ પર મેટલીંગ કામ કરવા અને પેવીંગ બ્લોક લગાવવા રૂા.૩.૫૧ કરોડ, વેસ્ટ ઝોન હસ્તકના મેઈન રોડ પર ડામર અને રીકાર્પેટ કરવા રૂા.૫.૩૫ કરોડ, વોર્ડ નં.૮માં અમીન માર્ગ પર ૧૫૦ ફૂટ રીંગ રોડ પર હોકર્સ ઝોન બનાવવા માટે રૂા.૨.૧૬ કરોડનો ખર્ચ સહિત રૂા.૨૫૪.૮૯ કરોડના કામોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

આવતા સપ્તાહે સંભવત ૨૧મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીના હસ્તે ચારેય બ્રીજનું ભૂમિપૂજન કરી દેવામાં આવે અને આમ્રપાલી બ્રિજ લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

Loading...