Abtak Media Google News

૮ મી એપ્રીલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે

રાજયની લોકસભાની ૨૬ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ગઈકાલે પૂર્ણ થઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો માટે ૨૨૬ ઉમેદવારો ચુંટણીના મેદાનમાં ઉતર્યા છે. આજથી ઉમેદવારી ફોર્મની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ ૮ એપ્રીલ છે ત્યારબાદ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે કે કઈ બેઠક પર કેટલા ઉમેદવારો મેદાનમાં છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જામનગર બેઠક ઉપર ૫૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજયની મોટાભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટકકર છે.

સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકોની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક ઉપર ૨૧ ઉમેદવારોએ, જામનગર બેઠક ઉપર ૫૪ ઉમેદવારોએ, જુનાગઢ બેઠક ઉપર ૧૯ ઉમેદવારોએ, સુરેન્દ્રનગર બેઠક ઉપર ૫૦ ઉમેદવારોએ, અમરેલી બેઠક ઉપર ૧૫ ઉમેદવારો, પોરબંદર બેઠક ઉપર ૨૦ ઉમેદવારોએ, ભાવનગર બેઠક ઉપર ૩૩ ઉમેદવારોએ અને કચ્છ બેઠક ઉપર ૧૪ ઉમેદવારો સહિત ૮ બેઠકો માટે ૨૨૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. લોકસભાની ૨૬ બેઠકો સાથે રાજયમાં અલગ-અલગ કારણોસર ખાલી પડેલી વિધાનસભાની ૪ બેઠકો માટે પણ પેટાચુંટણી યોજાવાની છે. જેમાં સૌરાષ્ટ્રની ૩ બેઠકો સામેલ છે. જેમાં માણાવદર વિધાનસભા બેઠક માટે ૧૦ ઉમેદવારોએ, જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ૩૪ ઉમેદવારોએ અને હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક માટે ૧૮ ઉમેદવારો ફોર્મ ભર્યા છે.

આજથી ઉમેદવારી ફોર્મની ચકાસણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના માન્ય રાજકીય પક્ષોએ પોતાના સતાવાર ઉમેદવાર ઉપરાંત ડમી ઉમેદવારને પણ ફોર્મ ભરાવ્યા છે. સતાવાર ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતા ડમી ઉમેદવારનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ ૮ એપ્રીલ નિયત કરવામાં આવી છે એટલે કે સોમવારે બપોરે ૩ વાગ્યા સુધી ફોર્મ પાછુ ખેંચી શકાશે ત્યારબાદ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે. રાજયની લોકસભાની તમામ ૨૬ બેઠકો માટે ત્રીજા તબકકામાં ૨૩મી એપ્રીલના રોજ મતદાન યોજાશે. આ સાથે વિધાનસભાની ખાલી પડેલી ઉંઝા, માણાવદર, જામનગર ગ્રામ્ય અને હળવદ-ધ્રાંગધ્રા બેઠક માટે પણ પેટાચુંટણી યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.