Abtak Media Google News

આગામી ૫૦ વર્ષ સુધી કોઈ વિકાસના મુદ્દા સીવાય વિચારી ન શકે તે પ્રકારનું મતદાન કરવા નાણાપ્રધાન અરૂણ જેટલીની હાકલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. દર વખતની જેમ આ ચૂંટણી પણ ભારે રસાકસીવાળી બની છે. જો કે, આ વખતે ચૂંટણી લેન્ડમાર્ક સમાન બની રહેશે. આ વખતેનું રાજકારણ દર વખત કરતા અલગ છે. એક તરફ જીએસટી અને નોટબંધી જેવા મુદ્દા છે, બીજી તરફ વિકાસના મુદ્દે ભાજપ આગળ વધી રહ્યું છે. જ્ઞાતિવાદના સમીકરણો પણ વિકાસને રુંધી શકે તેમ જણાતા નથી.

વિત્ત મંત્રી અરૂણ જેટલીએ આ મામલે કહ્યું હતું કે, વિકાસ આધારિત રાજકારણમાં ગુજરાત અન્ય રાજયોનું રોલ મોડેલ બની ગયું છે. ૨૦૧૭ વિધાનસભા ચૂંટણી લેન્ડમાર્ક સમાન બની રહેવાની છે. આગામી ચૂંટણીમાં ભાજપને એ પ્રકારની બહુમતી મળવી જોઈએ કે, આગામી ૫૦ વર્ષ સુધી કોઈ વિકાસના મુદ્દા સીવાયનું વિચારી પણ ન શકે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે એટલા માટે પણ માઈલ સ્ટોન સમાન છે કે, આ વખતે વિકાસવાદના રાજકારણ સામે જ્ઞાતિવાદનું રાજકારણ છે. ગુજરાતમાં વિકાસને અવગણી શકાય તેમ નથી, વિકાસના મુદ્દાને લક્ષ્યમાં રાખી ભારતીય જનતા પક્ષ લોકો પાસે મત માંગી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાસે દર વખતની જેમ આ વખતે પણ યોગ્ય મુદ્દાનો અભાવ જોવા મળી રહ્યો છે. અલબત અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનો ભાજપ પ્રત્યેનો વિરોધ કોંગ્રેસને થોડા ઘણા અંશે ફાયદો કરાવી શકે તેવી શકયતાઓ પણ છે.

ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ભાજપ જો ૧૫૦થી વધુ બેઠકો જીતશે તો અકલ્પનીય વિકાસનું સાક્ષી ગુજરાત બનશે. તેમણે ઉમેર્યું હતું કે, અયોધ્યામાં રામ, યુવાનોને કામ અને ખેડૂતોને યોગ્ય દામ એ નીતિ ભાજપની છે. એકંદરે આ વખતે ગુજરાતનું રાજકારણ દર વખત કરતા અલગ રહ્યું છે. ધીમે ધીમે મતદાનનો સમય નજીક આવતો જાય છે તેમ લોકોનું વલણ વિકાસના રાજકારણ તરફ ઢળી રહ્યું છે જે એકંદરે ગુજરાતની આર્થિક તંદુરસ્તી માટે ફાયદાકારક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.