Abtak Media Google News

ડાયાબિટીસ એક એવો રોગ છે જે સીધો લોહીની નસોને અસર પહોંચાડે છે. આ નસો જે અંગો સાથે જોડાયેલી છે એ અંગો પર એની અસર ખાસ જોવા મળે છે જેમાં કિડની એક એવું અંગ છે જે હંમેશાં ડાયાબિટીઝને લીધે અસરગ્રસ્ત થાય છે. આ અસર કઈ રીતે થાય છે અને થાય તો કિડનીમાં શું પ્રોબ્લેમ ઊભા થાય છે તેજાણીએ

ડાયાબિટીઝને લોકો એકમાત્ર શુગર-પ્રોબ્લેમના રૂપે જુએ છે. શરીરમાં શુગરનું પાચન બરાબર ન થતું હોય તો એ રોગ એટલે ડાયાબિટીઝ, પરંતુ શુગરનું પાચન ન થવાથી શું થઈ શકે છે એ એક વિચાર અત્યંત મહત્વનો છે. શુગરનું પાચન ન થવાથી અને એ સીધી લોહીમાં ભળી જવાથી શરીર પર એની અસર ઘણી અલગ-અલગ રીતે થાય છે અને આ એ અસર છે જેને કારણે શરીરના જુદા-જુદા અવયવો પર અસર થાય છે. ડાયાબિટીઝને કારણે હાર્ટ, મગજ, લિવર, કિડની, પગ, આંખ, ફેફસાં દરેક અંગ પર કંઈ ને કંઈ અસર થાય જ છે.

વળી જરૂરી નથી કે દરેક અંગ પર એની અસર દેખાય. કોઈ એક અંગ પર વધુ તો બીજા પર નહીંવતઅસર હોઈ શકે છે, પરંતુ લાંબા ગાળે ડાયાબિટીઝ દરેક અંગ પર પોતાની છાપ છોડતો જ હોય છે. આમ એ સમજી લેવું જરૂરી છે કે ડાયાબિટીઝ એક એવો રોગ છે જેમાં દરદીના શરીરના દરેક અવયવ પર આ રોગની અસર થાય છે, જેમાં કિડની પર અસર ઘણી જાણીતી અસર છે. દુનિયામાં ટાઇપ-વન ડાયાબિટીઝના ૩૦ ટકા દરદીઓ અને ટાઇપ-ટૂ ડાયાબિટીઝના ૧૦થી લઈને ૪૦ ટકા દરદીઓ પોતાના જીવનકાળ દરમ્યાન પીડાતા હોય છે. ડાયાબિટીઝની કિડની પર કઈ રીતે અને કેવી અસર થાય છે એ વિશે આજે જાણીશું.

નસો પર અસર

ડાયાબિટીઝની અસર દરેક અવયવ પર થાય છે એનું કારણ એ છે કે આ રોગ સીધો શરીરમાં રહેલી લોહીની નસો પર અસર કરે છે. આ વિશે સમજાવતાં ડોકટર કહે છે, શરીરમાં લોહીમાં ભળતી વધારાની શુગર નસોમાં અમુક પ્રકારના ઇન્ફ્લમેશન માટે જવાબદાર બને છે અને નસોની અંદરની દીવાલ પર અટેક કરે છે, જેને લીધે નસોની અંદરની દીવાલ ડેમેજ થાય છે અને એને લીધે નસો કડક અને સખત બને છે. લોહીની નળીની આ કન્ડિશન એમાંથી વહેતા લોહીના પ્રવાહ પર અસર કરે છે. આમ જે અંગ પાસેની લોહીની નળી ડેમેજ થઈ હોય એ અંગને મળતા લોહીના પુરવઠામાં કમી આવે છે અને એ અંગ ધીમે-ધીમે ડેમેજ થતું જાય છે અથવા એ અંગને સંબંધિત પ્રોબ્લેમ્સ શરૂ થઈ જાય છે.

વેસ્ક્યુલર પ્રોબ્લેમ

આ રીતે ડાયાબિટીઝ કોઈ પણ અંગની નળીઓને અસર કરી શકે છે, પરંતુ આ અસર પાછળ પણ એક વિજ્ઞાન રહેલું છે જે સમજાવતાં ડોકટરકહે છે, ડાયાબિટીઝ જે આ નસોને હાનિ પહોંચાડે છે એને વેસ્ક્યુલર પ્રોબ્લેમ કહે છે, જેમાં બે પ્રકાર છે – એક માઇક્રો વેસ્ક્યુલર પ્રોબ્લેમ અને બીજો મેક્રો વેસ્ક્યુલર પ્રોબ્લેમ. મેક્રો વેસ્ક્યુલર પ્રોબ્લેમમાં મોટી લોહીની નળીઓ પર અસર થાય છે એનો સમાવેશ થાય છે. આ નળીઓ એટલે હાર્ટ, મગજ અને પગની નસો જે ડેમેજ થાય તો હાર્ટ-અટેક, સ્ટ્રોક કે પેરિફેરલ વેસ્ક્યુલર ડિસીઝ માટે જવાબદાર બને છે જ્યારે માઇક્રો વેસ્ક્યુલર પ્રોબ્લેમ એટલે જે પ્રોબ્લેમ નાની કે પાતળી લોહીની નળીઓમાં થાય છે એ. આ નળીઓ એટલે આંખ, કિડની કે ચેતાતંત્રની નસો જે ડેમેજ થાય તો ડાયાબેટિક રેટિનોપથી, ક્રોનિક કિડની ડિસીઝ અને ન્યુરોપથી સંબંધિત તકલીફો થાય છે.

અસર ક્યારે

સામાન્ય રીતે વ્યક્તિ સ્ટેજ પર હોય ત્યારથી જ વ્યક્તિની નસો પર ડાયાબિટીઝની અસર દેખાવા લાગતી હોય છે, પરંતુ એ અસર એટલી ધીમે-ધીમે વિકાસ પામતી હોય છે કે એનાં ચિહ્નો એકદમથી સામે નથી આવતાં. ખાસ કરીને મેક્રો એટલે કે હાર્ટ અને બ્રેઇનની નસોમાં તો પહેલેથી જ પ્રોબ્લેમ શરૂ થઈ જતા હોય છે, પરંતુ જ્યારે ડાયાબિટીઝ લાંબા ગાળાનો હોય ત્યારે માઇક્રો વેસ્ક્યુલર પ્રોબ્લેમ શરૂ થાય છે એટલે કે કિડની કે આંખને સંબંધિત તકલીફો લાંબા ગાળાના ડાયાબિટીઝમાં વધુ જોવા મળે છે, નહીં કે શરૂઆતમાં જ. આમ જે ડાયાબિટીઝના દરદીને કિડની પર અસર થાય એ લગભગ મોટી ઉંમરે જ વધુ જોવા મળે છે. આજકાલ નાની ઉંમરમાં ડાયાબિટીઝ થઈ જાય છે તો કિડની પર અસર પણ એટલી જ જલદી થતી જોવા મળે. જેમ કે ૩૫ વર્ષે ડાયાબિટીઝ થયો હોય તો ૪૫-૫૦ વર્ષે આ તકલીફ આવી જાય એમ બની શકે છે.

કિડની પર એની અસર

જ્યારે ડાયાબિટીઝને કારણે નસો પર અસર નોંધાય છે અને એ નસો ડેમેજ થાય છે અને એ નસો કિડની સાથે સંબંધિત હોય છે ત્યારે કિડની પર એની શું અસર થાય છે એ સમજાવતાં ડોકટરકહે છે, શરીરમાં કિડની એક એવું અંગ છે જે શરીરનો કચરો સાફ કરવાનું કામ કરે છે. લોહીને એ શુદ્ધ રાખે છે જ્યારે ડાયાબિટીઝને કારણે કિડનીની નસો પર અસર પહોંચે ત્યારે એ શરીરનો કચરો શરીરની બહાર ન જઈ શકે અને લોહીમાં એનું પ્રમાણ ઘણું વધી જાય. લોહી અશુદ્ધ રહે એને કારણે શરીરમાં પાણી અને મીઠાનો ભરાવો થાય. એને કારણે બીજી ઘણી તકલીફો શરૂ થઈ જાય છે. જેમ કે બ્લડ-પ્રેશર, એનીમિયા, નબળાં હાડકાં, વજનનું વધવું, પગમાં સોજા વગેરે. કારણે હાર્ટની તકલીફો પણ વધી જાય છે.

બીજી અસરો

કિડનીને ડેમેજ કરતી પ્રક્રિયા જેને કારણે વ્યક્તિની સ્વસ્થ રહેવાની શક્યતાઓ ઘટી જાય છે એવી કન્ડિશનને ક્રોનિક કિડની ડિસીઝ કહે છે અને આ પરિસ્થિતિ આ સંજોગોમાં સર્જાઈ શકે છે એ આપણે જોયું, પરંતુ એ બીજી કઈ રીતે અસર કરી શકે છે એ જણાવતાં ડોકટરકહે છે, ડાયાબિટીઝને કારણે જે નસો પર અસર થાય છે એને કારણે મૂત્રાશયને સંપૂર્ણ ખાલી કરી શકાતું નથી.

એ ભરેલું રહે છે એને લીધે જે પ્રેશર વધે એ પ્રેશરને કારણે મૂત્રાશયમાંથી જે યુરિન મૂત્રમાર્ગે નીકળી જવું જોઈએ એને બદલે એ યુરિન કિડનીમાં પાછું ઠલવાય છે અને કિડનીને ડેમેજ કરે છે. જો આ યુરિન મૂત્રાશયમાં વધુ સમય માટે ભેગું થયા કરે તો એમાં ઇન્ફેક્શન થવાની શક્યતા પણ રહે છે. ડાયાબિટીઝના દરદીને આમ પણ ઇન્ફેક્શન ખૂબ જલદી થઈ જતું હોય છે અને જે યુરિનમાં જ શુગર છે એ યુરિનનું ઇન્ફેક્શન થવાને વાર નથી લાગતી.

આ ઇન્ફેક્શન વધી જાય તો એ કિડની સુધી પણ પહોંચી શકે છે. આમ ડાયાબિટીઝને લીધે જે નસોનું ડેમેજ થાય છે એ ઘણી રીતે પણ કિડનીને અસર કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.