Abtak Media Google News

બે ટેન્કર, ૨.૫૦ લાખ લિટર જવલંતશીલ પ્રવાહી, જમીનમાં દાટેલા નવ ટાકા અને ચાર ઇલેકટ્રીક મોટર મળી રૂા.૧.૪૩ કરોડનો મુદામાલ સીઝ: એસઓજીની ટીમે એક સપ્તાહમાં બીજો ઓપરેશન પાર પાડયું

કોઠારિયા નજીક આવેલા નુરાનીપરામાં અનઅધિકૃત રીતે પેટ્રોલિયમ પ્રોડકટનું વેચાણ થતુ હોવાની બાતમીના આઘારે એસઓજી ટીમે દરોડો પાડી રૂા.૧.૪૩ કરોડનો મુદામાલ સીઝ કરી નાનામવાના શખ્સની પૂછપરછ હાથ ધરી છે. એસઓજી દ્વારા કરાયેલી કાર્યવાહી બાદ આઇઓસી, એફએસએલ અને પુરવઠા વિભાગને જાણ કરવામાં આવતા ચારેય વિભાગ દ્વારા સયુકત રીતે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ નાના મવા મેઇન રોડ પર આવેલી મધુવન સોસાયટીમાં રહેતા સિધ્ધરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા કોઠારિયા નજીક આવેલા નુરાનીપરામાં રાજ શક્તિના નામે અનઅધિકૃત રીતે પેટ્રોલિયમ પોડકટનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે એસઓજી પી.આઇ. આર.વાય.રાવલ, પી.એસ.આઇ. યુ.બી.જોગરાણા, એએસઆઇ ચેતનભાઇ ચાવડા, હેડ કોન્સ્ટેબલ જયંતીભાઇ ગોહેલ, સંતોષભાઇ રબારી, અભિજીતસિંહ જાડેજા અને ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.

પોલીસના દરોડા દરમિયાન રૂા.૧.૧૨ કરોડની કિંમતનું ૨.૫૦ લાખ લિટર જવલંતશીલ પ્રવાહી, રૂા.૧૩ લાખની કિંમતના બે ટેન્કર, રૂા.૧૮ લાખની કિંમતના જમીનમાં દાટેલા લોખંડના નવ ટાંકા અને રૂા.૨૦ હજારની કિંમતની ચાર ઇલેકટ્રીક મોટર સીઝ કરી સિધ્ધરાજસિંહ ઝાલાની પૂછપરછ હાથધરી છે.

એસઓજી સ્ટાફે રૂા.૧.૧૨ કરોડની કિંમતની ૨.૫૦ લાખ લિટર પેટ્રોલિયમ પ્રોડકટ મળી આવતા આઇઓસી, એફએસએલ અને પુરવઠા વિભાગ દ્વારા તપાસમાં જોડાયા છે. પેટ્રોલિયમ પોડકટ કયાંથી મેળવી અને તેનું વેચાણ કંઇ રીતે કરવામાં આવતું તે અંગેની વિગતો બહાર આવ્યા બાદ ગુનો નોંધવાની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.