Abtak Media Google News

ટીપીના રોડ, પ્લોટ અને સોસાયટીઓના કોમન પ્લોટમાં વૃક્ષારોપણ કરાશે

શહેરમાં વૃક્ષોનું પ્રમાણ ખૂબજ ઓછુ હોવાના કારણે ઉનાળાની સીઝનમાં રાજકોટમાં રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. કોંક્રીડના જંગલમાં ફેરવાઈ ગયેલા રાજકોટમાં ગ્રીનરી વધે તે માટે કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવશે જે અંતર્ગત આગામી દિવસોમાં શહેરમાં આવેલા ૨૯ જેટલા વોંકળાઓ વૃક્ષારોપણ કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર બીનાબેન આચાર્ય અને ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વૃક્ષારોપણ શરૂ કરવામાં આવશે જે અંતર્ગત શહેરના ૨૯ જેટલા વોંકળાઓમાં વૃક્ષારોપણ કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. વોંકળામાં કાયમી ધોરણે ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે અહીં સરળતાથી વૃક્ષો ઉગી નીકળે છે. તમામ વોંકળાની પરિસ્થિતિ તપાસ્યા બાદ શકય તેટલી વધુ માત્રામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલા ટીપીના અનામત પ્લોટ, ટીપીના રોડ અને સોસાયટીના કોમન પ્લોટમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

સોસાયટીના કોમન પ્લોટ માટે સોસાયટીને રોપા, પાણી અને જરૂર પડશે તો કોર્પોરેશન વૃક્ષારોપણ માટે ખાડા પણ ખોદી આપશે. વૃક્ષારોપણની મોટાભાગની કામગીરી સંસ્થાને સોંપવાની કામગીરી ચાલી રહી છે. જેમાં પ્લાન્ટ પાણી અને વ્યવસ્થા મહાપાલિકા દ્વારા કરવામાં આવશે. આ વર્ષે વૃક્ષોની સંખ્યા પર નહીં પરંતુ વૃક્ષો કેટલા ઉછરી શકે છે તે વાત પર વધુ ધ્યાન આપવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.