Abtak Media Google News

સૌરાષ્ટ્ર માટે આશિર્વાદરૂપ કલ્પસર યોજનાથી ફાયદા હી ફાયદા, કોઈ નુકશાન નહી: સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા નિવારવા ‘કલ્પસર’ બનશે અતિ ઉપયોગી.

કલ્પસરનું ખરૂ મહત્વ જાણતા સંગઠનો યોજનાને સાકાર કરાવવા માટે આગળ આવ્યા: સૌરાષ્ટ્ર ઓઈલ મીલ્સ એસોસીએશને યોજનાને બનતી ત્વરાએ પૂર્ણ કરવા મુખ્યમંત્રીને કરી રજૂઆતહાલ સૌરાષ્ટ્ર નર્મદાના નિરને આધારીત છે. પરંતુ માત્ર નર્મદા ડેમ પર આધાર રાખવો તે ભવિષ્યમાં જોખમી નીવડી શકે છે. ત્યારે સૌરાષ્ટ્ર માટે જો બીજી કોઈ યોજના જીવાદોરી સમાન બની શકે તેમ હોય તો તે ‘કલ્પસર’ છે. કલ્પસર યોજનાથી સૌરાષ્ટ્રને ફાયદો જ ફાયદો છે.

આ યોજનાથી એક પણ પ્રકારનું નુકશાન થઈ શકે તેમ નથી હાલ જે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. તે સમસ્યાઓનું સમાધાન ‘કલ્પસર’ છે. કલ્પસર યોજનાને સાકાર કરાવવા માટે સંગઠનો પણ આગળ આવી રહ્યા છે.સૌરાષ્ટ્ર ઓઈલ મીલ્સ એસોસીએશને તો આ કલ્પસર યોજનાને બનતી ત્વરાએ પૂર્ણ કરવાની રજૂઆત સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પણ લખ્યો છે.

રજૂઆતમાં સૌરાષ્ટ્ર ઓઈલ મીલ્સ એસો.ના પ્રમુખ સમીર શાહે જણાવ્યું કે કલ્પસર યોજના અત્યંત મહત્વની તથા સૌરાષ્ટ્ર માટે કાયમી પાણીના સંકટને નાબુદ કરી શકાય તેવી ભવ્ય યોજના છે સૌરાષ્ટ્રમાં વરસાદનો પ્રશ્ર્ન હરહંમેશ રહ્યો છે. અને વરસાદની અનિયમિતતા તથા અછત દિવસે દિવસે વધારે ભયજનક સ્તરે વધી રહેલ છે. હાલમાં સૌરાષ્ટ્રની પાણીની અછત દૂર કરવા આપણે સરદાર સરોવર પર વધારે પડતુ અવલંબવું પડે છે. ચાલુ વર્ષે જ એક સમયે નર્મદાના ઉપરવાસમાં ઓછા વરસાદને કારણે ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થયેલ પણ પાછળથી ઈશ્ર્વરકૃપાએ સારો વરસાદ થતા હાશકારો થયેલ. આ પરિસ્થિતિ સ્પષ્ટ પણે દર્શાવે છે કે સમયાંતરે આપણે ફકત એક જ યોજના પર અવલંબવું તે જોખમી થઈ શકે.

ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં ખૂબજ અનિયમિત તથા ઓછો વરસાદ પડેલ છે. તાજેતરમાં એક અવલોકન પ્રમાણે શિયાળુ પાકોનું વાવેતર લગભગ ૪૩થી ૫૦% ઘટેલ છે. આ બાબત ખરેખર ચિંતાજનક ગણી શકાય. સરકાર તરફથી કૃષિ આધારીત અર્થતંત્રના વિકાસ અંગે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. જે ખૂબજ સારી બાબત છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ વિષે ખૂબજ હકારાત્મક અને દ્દઢ છે. અને સ્વાભાવિક રીતે જ જો રૂરલ ઈકોનોમી સુધરશે નહી તો અન્ય ઈકોનોમી સુધરી શકે જ નહી.

સરકાર પણ આ વિષયે ખૂબજ ગંભીર છે. અને ઈચ્છે છે કે આ યોજના વહેલાસર શરૂ થઈ પૂરી થાય. અમારી સંસ્થા ખેડુતોના હિત સાથે જોડાયેલ હોય અમોને આ યોજના જેટલી જલ્દીથી શરૂ થાય અને પૂર્ણ થાય તેમા વિશેષ રૂચી છે.આ યોજના ઓનપેપર ઘણા વખતથી છે અને જેના થકી કોઈને પણ નુકશાન નથી ફકત ફાયદો જ છે. તેમ છતા તેના વિષે કંઈ નકકર કામગીરી નથી કરી શકાય તે હકિકત છે. આ વિષે સારો એવો અભ્યાસ કરવા પ્રયત્ન કરેલ છે. ઉપરાંત જેઓ આ યોજના વિષયે જાણે છે તેવા નિષ્ણાંતોની સાથે પણ અવાર નવાર વિચાર વિનીમય કરેલ છે. તેના ભાગરૂરૂપે એક બાબત ખૂબજ સ્પષ્ટ થયેલ છે.

કે આ યોજના સૌરાષ્ટ્ર માટે કલ્પવૃક્ષ કે કાયધેનુની જગ્યા લઈ શકે તેમ છે. સૌરાષ્ટ્રના પીવાના પાણીથી લઈને સિંચાઈના પ્રશ્ર્નો નાબુદ થઈ શકે તેમ છે. અને આ બાબતો સરકાર પણ સ્વિકારે છે. તેમ છતા હજુ તે વિષયે નકકર કામગીરી કેમ નથી થઈ શકતી તે બાબત સમજી શકાતી નથી.ભારતીય જનતાપાર્ટી ખેડુતોના લાંબાગાળાના હિતોને ધ્યાનમાં રાખી કામ કરતો પક્ષ છે. તેથી આ તરફથી વિશેષ આશા છે. અને પૂર્ણ વિશ્ર્વાસ છે કે કલ્પસર યોજના વિષે નકકર પ્રયત્નો વહેલામાં વહેલી તકે લેવામાં આવશે તેમ અંતમાં સમીરભાઈ શાહે જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.