ઓખા નગરીના સમુદ્ર કિનારે બિરાજતા વ્યોમાણી માતાજીના પ્રાગટયનું ધાર્મિક મહાત્મ્ય અનેરો ઇતિહાસ ધરાવે છે. ૧૯૬૦ના દાયકામાં ઓખાના ટાઇગર પોઇન્ટ કે જે દેશના છેવાડે આવેલ અને અહીંથી પાકિસ્તાની સરદહ ૮૬ નોટીકલ માઇલ દુર આવેલ હોય તેથી આ વિસ્તારને સુરક્ષાનું ટાઇગર પોઇન્ટ ગણાય છે. અહી ૧૯૬૨ માં વ્યોમાણી માતાજીના મંદીરનું નિર્માણ ઓખા મંડળના ભામાશાની ઉપમા મેળવનાર વિરમભા આશાભા માણેકે મંદીર બંધાવેલ પરંતુ ત્રણ વર્ષના ટુંકા ગાળામાં ઇ.સ. ૧૯૬૫ માં ભારત પાક યુઘ્ધ થતા સરક્ષણની દ્રષ્ટીએ આ મંદીર શિવ ભકત પબુભા માણેક પરીવારના સહયોગથી અને સેના જવાનોના સહયોગથી ગામના દરીયા કાંઠે ખસેડવામાં આવ્યું હતું.
છેલ્લા પાંચ દાયકાથી અહી નાના બાળકો અને બાળાઓ પરંપરાગત વેશભૂશામાં ધોધાટ ભર્યા સંગીત વગર પ્રાચીન પઘ્ધતિથી ઢોલ મંજીરાના તાલે ભકતીમય વાતાવરણમાં નવરાત્રી ઉજવે છે. આ ગરબીમાં દ્વારકાના ગરબા ગાયીકા નીમુબેન દુધરેચીયાના સુમધુર કંઠે ગવાતા માતૃભકિતના કર્ણ પ્રીય ગીતો, પ્રાચીન કાળના પદો અને દુવા છંદો સાંભળવા એ એક લહાવો છે. આજે પ્રથમ નોરતે અહીની પ્રાચીન ગરબી સાથે ઓખાના તમામ માતાના મંદીરમાં ગીત સંગીતની સુરાવલી સાથે ખેલૈયાઓ મન મુકીને ગરબા રમ્યા હતા અને દરીયા કાંઠે આવેલ મંદીર સાથે તમામ માતાના મંદીરો રાત્રીની રોશનીથી જગમગી ઉઠયા હતા.