કંપનીએ કહ્યું- ભારતમાં વધુ નુકસાન થવાના કારણે ખોટની રકમ વધી: ૮૫% રેવન્યુ ટ્રાન્ઝેક્શનમાંથી આવી રહી છે
ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોને ગત નાણાંકીય વર્ષ(૨૦૧૮-૧૯)માં ૨૯.૪ કરોડ ડોલર (૨,૦૩૫ કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. કંપનીએ શુક્રવારે વાર્ષિક રિપોર્ટ બહાર પાડ્યો છે. તેમનું કહેવું છે કે ભારતમાં વધુ નુકસાન થવાના કારણે તેની ખોટ વધી ગઈ છે. જોકે રેવન્યુ ત્રણ ગણી થઈને ૨૦.૬ કરોડ ડોલરે પહોંચી ગઈ છે. ૨૦૧૭-૧૮માં ૬.૮ કરોડ ડોલરની રેવન્યુ મેળવી હતી.
એક વર્ષમાં ખર્ચ વધીને ૬ ગણો થયો
ઝોમેટોના જણાવ્યા પ્રમાણે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં તેનો ખર્ચ વધીને ૫૦ કરોડ ડોલરે પહોંચી ગયો છે. એક વર્ષ પહેલા તે ૮ કરોડ ડોલર હતો. કંપનીનું કહેવું છે કે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં માર્કેટિંગ પર કરવામાં આવેલા ખર્ચની અસર આ વર્ષે જોવા મળશે.
ઝોમેટોએ જણાવ્યું કે તે બિઝનેસ સેગમેન્ટને ફરીથી એલાઈન કરી રહી છે. ત્રણ વર્ષ પહેલા કંપનીની રેવન્યુ ૧૦૦ ટકા રેવન્યુ એડવરટાઈઝિંગ પર આધારિત હતી. જોકે હવે ૮૫ ટકા રેવન્યુ ટ્રાન્ઝેક્શનમાંથી આવી રહી છે.
નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ડિલિવરીથી ઝોમેટોની રેવન્યુ વધીને ૧૫.૫ કરોડ ડોલર થઈ ગઈ છે. જે અગાઉના વર્ષે ૩.૮ કરોડ ડોલર રહી હતી. કંપનીનું કહેવું છે કે હવે તેને પ્રતિ ડિલિવરી ૨૫ રૂપિયા નુકસાન થઈ રહ્યું છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં તે ૪૪ રૂપિયા હતું. ઝોમેટો હાલ દેશના ૨૦૦ શહેરોમાં સર્વિસ આપી રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં ૧૫ વધુ છે.