બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ફૂલના હિંડોળાના અલૌકિક દર્શન
અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ એક મહિના સુધી હરિભક્તો હરિને હેતના હિલોળારૂપી વિધ વિધ જાતના હિંડોળે ઝુલાવશે
અષાઢવદ બીજના દિવસથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થાય છે. ભકત અને ભગવાનની આસ્થાપ્રેમ અને ભકિતનું પ્રતિક છે. હિંડોળા રચવામાં ભકત પોતાના હૃદયના સમગ્ર ભાવ નીચોવી વિધવિધ પ્રકારે હિંડોળાની રચના કરે છે. વલ્લભાચાર્યજી, ચૈતન્યમહાપ્રભુજી, ઉપરાંત વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવ ઉજવાય છે. જેમાં અષાઢ વદ બીજથી શ્રાસવણ વદ બીજ સુધી એક મહિનો હરીને હેતના હિંડોળા ઝુલાવાય છે.
ધૂપ, દીપ, આરતી તેમજ ભોગ ધરાવી હિંડોળાના પદનું ગાયન કરવામાં આવે છે. શહેરની હવેલી તેમજ મંદિરોમા હિંડોળાના ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે શહેરનાં કાલાવાડ રોડ પરનાં સ્વામિનારાયણ મંદિરમાં ફૂલોનાંસુગંધી હિંડોળાના દર્શન છે. પ્રભુનેહિંડોળે ઝુલતા જોઈ ભકતોના મનમાં પણ આનંદ અને ઉત્સાહ છવાઈ જાય છે.પવિત્ર ભારત વર્ષની ભૂમિ ઉપર અનેક ઉત્સવો ઉજવાતા રહ્યા છે. મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિય ખલુ માનવા: ! અર્થાત મનુષ્યો ઉત્સવપ્રિય હોય છે. જીવનના યંત્રવત ઘટમાળમાંથી બહાર નીકળી જીવનને સાચો અને શાશ્વત આનંદ મેળવવા ઉત્સવો ગોઠવ્યા અને સાથોસાથ ઈશ્વર પ્રત્યેની ભકિત અદા કરી શકાય તેનોવિચાર કરી તેમણે ભકિતમય વાતાવરણનું સર્જન કર્યું. રાજકોટના કાલાવાડ રોડ પર આવલે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે. ફૂલના હિંડોળે ઝુલતા હરીને જોઈ ભકતો ભાવ વિભોર થઈ ગયા.