- રાજ્યના વિવિધ 6 ઝોનમાં આવતીકાલ (16 ફેબ્રુઆરી)એ યોજાશે ઝોન કક્ષાની યોગાસન સ્પર્ધા
- વિજેતા સ્પર્ધકો રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધામાં લેશે ભાગ
- વિજેતા સ્પર્ધકો રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લેશે
ગુજરાતમાં યોગને ઘરે-ઘરે પહોંચાડવા અને નાગરિકોમાં યોગ વિશે જાગૃતિ લાવવા, તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હંમેશાં પ્રયત્નશીલ છે. જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા 2025નું આયોજન કરાયું છે તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, તા. 9 ફેબ્રુઆરી, 2025 ના રોજ ગુજરાતના બધા જિલ્લાઓમાં યોગાસન સ્પર્ધા 2025નું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં 15,000 થી વધુ સ્પર્ધકો સહભાગી થયા હતા. વિજેતા સ્પર્ધકો આવતીકાલ તા. 16 ફેબ્રુઆરીએ યોજાનાર ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાતના કુલ ૬ ઝોન અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, જામનગર, સુરત અને રાજકોટ ખાતે ઝોન કક્ષાની સ્પર્ધા યોજાશે.
ઝોન કક્ષાની સ્પર્ધામાં જે જીતશે તેમને રોકડ ઈનામ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. આ ઉપરાંત તેઓ રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધા માટે પણ પસંદ થશે. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા બનનાર સ્પર્ધકો ગુજરાતના સૌથી સારા યોગ ચેમ્પિયન ગણાશે અને તેઓ રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ સ્પર્ધા યુવાનોને યોગ સાથે જોડવા માટે એક સારું માધ્યમ બની રહી છે. વિદ્યાર્થીઓ, યુવા ખેલાડીઓ, શિક્ષકો અને યોગને પ્રેમ કરનારા દરેક નાગરિકો માટે આ સ્પર્ધા યોગના ક્ષેત્રમાં આગળ વધવાની સુવર્ણ તક છે.