સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગની સાથે જ કંપનીએ એવા રોકાણકારોને માલામાલ કરી દીધા
અબતક, નવી દિલ્હી : ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી કંપની ઝોમેટોનું સ્ટોક માર્કટેમાં બંપર લિસ્ટિંગ થયું છે. માર્કેટ કેપ રૂ. 1 લાખ કરોડને વટાવી સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગની સાથે જ કંપનીએ એવા રોકાણકારોને માલામાલ કરી દીધા છે જેમણે આઈપીઓમાં અરજી કરી હતી.
પ્રથમ દિવસે જ ઝોમેટોના સ્ટોકનો ભાવ બીએસઈ ઇન્ડેક્સ પર 138ની સપાટી સુધી ગયો હતો. કંપનીના આઈપીઓનો ભાવ 72થી 76 રૂપિયાની વચ્ચે હતો. એટલે કે જે રોકાણકારોએ આઈપીઓમાં અરજી કરી હતી અને જેમને શેર લાગ્યા છે તેમને 80 ટકા જેટલો નફો થયો છે. જ્યારે ઝોમેટાના માર્કેટ કેપની વાત કરીએ તો લિસ્ટેડ થવાની સથે જ કંપનીની માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. બીએસઈ ઇન્ડેક્સ પર આ આંકડો ઝોમેટાના લિસ્ટિંગની થોડી જ મિનિટ બાદનો છે. જ્યાર એનએસઈ પર આ સ્ટોક 116 રૂપિયાના ભાવ સાથે ખુલ્યો હતો અને 138 સુધી જઈને હાલમાં 120થી 125ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
પ્રમોટર્સે 9,375 કરોડ રુપિયા ઉભા કરવા માટે આઈપીઓ લોન્ચ કર્યો હતો, જે 14-16 જુલાઈ સુધી પબ્લિક માટે ખૂલ્યો હતો અને 38 ગણો ભરાયો હતો. કંપનીએ તેના કર્મચારીઓ માટે 65 લાખ શેર અલગ રાખ્યા હતા પરંતુ તેના માત્ર 62 ટકા શેર માટે જ અરજી આવી હતી. ઝોમેટો આ આઈપીઓ દ્વારા કંપનીની વેલ્યૂ 64,365 કરોડ રૂપિયા આંકી હતી.
ઝોમેટોના આઇપીઓના લિસ્ટિંગ પહેલા કંપનીના ફાઉન્ડર દીપિન્દર ગોયલે ટ્વીટ કર્યું કે, અમારા લિસ્ટિંગના દિવસે હું અમારા શૅરહોલ્ડર્સની સાથે કંઈક વાત કહેવા માંગું છું. ભવિષ્ય ખૂબ જ ઉત્સાહજનક લાગી રહ્યું છે. હું નથી જાણતો કે આપણે પાસ થઇશું કે ફેઇલ પરંતુ આપણે હંમેશાની જેમ બેસ્ટ આપીશું.
નોંધનીય છે કે, કંપનીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં પ્રી આઈપીઓ પ્રાઇમરી ફંડ રેઝર દ્વારા 25 કરોડ ડોલર એકત્રિત કર્યા હતા. ઝોમેટોમાં આન્ટ ફાઇનાન્શિયલ, ઇન્ફો એજ, સિકોયા કેપિટલ, ઉબર જેવા રોકાણકારો સામેલ છે. હાલમાં જ ઝોમેટોએ ખુદને એક પ્રાઈવેટ કંપનીથી પબ્લિક કંપનીમાં ફેરવી હતી. તેના માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.કંપનીને આશા છે કે શહેરી જનસંખ્યામાં વધારો, કામકાજી પરિવારની વધતી સંખ્યા, ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની વધતુ પહોંચને કારણે કંપનીનો કારોબાર આગળ વધશે.