સુરત: થોડા સમય પહેલા જિલ્લા પંચાયત સુરત અંતર્ગત મત્સ્ય ઉદ્યોગ કચેરીના ઉપક્રમે સુરત જિલ્લાના 70 ગામોના 75 થી વધુ નવા તળાવોને મત્સ્ય ઉછેર માટે ટેન્ડર પદ્ધતિથી ઇજારા પર આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સૌથી વધુ ભાવ ભરનાર 41 ઈજારદારોને તળાવોની ફાળવણી કરવમાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલના હસ્તે 41 તળાવોના ઈજારદારોને પાંચ વર્ષ માટેના ઈજારા માટેના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ 41 તળાવોને ઈજારા પર આપવાથી ગ્રામ પંચાયતોને ઈજારાના સમયગાળા દરમિયાન 4.5 કરોડથી વધુની માતબર આવક થશે.
જેમ કે, આ ઈજારાથી ઓલપાડ તાલુકાની ભટગામ ગ્રામપંચાયતને દર વર્ષે 19 લાખ થી વધુની આવક થશે. તેવી જ રીતે માંડવી તાલુકાની કરંજ ગ્રામ પંચાયતને દર વર્ષે 6 લાખ થી વધુની આવક થશે. આમ, ગ્રામ-પંચાયતની સ્વ-ભંડોળની આવકમાં વધારો થતા ગામમાં સુવિધાઓની વધવાની સાથે સ્થાનિક રોજગારીની તકોમાં વધારો થશે. જેથી ગામના વિકાસને વેગ મળશે. વર્ષોથી એમ જ ખાલી પડેલા તળાવોની પણ જાળવણી થશે. આ પ્રસંગે પ્રમુખએ જિલ્લાની અન્ય ગ્રામ પંચાયતોને પણ અનુકરણ કરવા પર ભાર મુકયો હતો. વધુમાં, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં જિલ્લાના નવા 32 તળાવોને ઈજારા પર આપવા માટે ટેન્ડરો માંગવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આમ, સુરત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતોની આવક વધારવા માટે નવતર પ્રયાસો હાથ ધરી રહી છે. આ અવસરે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ, માજી જિ.પં.પ્રમુખ ભાવેશ પટેલ તથા અન્ય જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.