કસુંબીનો રંગ, શિવાજીનું હાલરડું, ચારણ-ક્ધયાાનું સાહિત્ય-સંગીત-સંસ્કૃતિ-પ્રેમી અનુપમસિંહ ગહલોતે હ્રદયસ્પર્શી પઠન કર્યું
ગુજરાત રાજ્યના ઈન્ટેલિજન્સના અધિક પોલીસ મહાનિર્દેશક અનુપમસિંહ ગહલૌત (આઈપીએસ) સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની લાગણીસભર મુલાકાત થઈ હતી. છેલ્લા 40 વર્ષથી ખાદી-ગ્રામોદ્યોગ-રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલાં ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટી તથા ભાલ નળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન, લોકસેવક, ખેડૂત આગેવાન, જગતાત ફલજીભાઈ રાહાભાઈ ડાભીના પૌત્ર ગોવિંદસિંહ દાજીભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
ઝવેરચંદ મેઘાણી રચિત અમર કાવ્યો : કસુંબીનો રંગ, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યાનું સાહિત્ય-સંગીત-સંસ્કૃતિ-પ્રેમી અનુપમસિંહ ગહલૌતે હ્રદયસ્પર્શી પઠન દ્વારા સ્વરાંજલિ અર્પણ કરી હતી.
સ્વતાંત્ર્ય-સંગ્રામ નિમિત્તે ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશક્તિનાં 15 શૌર્યગીતોનો સંગ્રહ સિંધુડોની નવીન સંવર્ધિત આવૃત્તિ પિનાકી મેઘાણીએ અર્પણ કરી હતી. ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત લોકસંત, ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી 1958માં સ્થાપિત અને આર્થિક-સામાજિક વંચિત સમાજની બહેનોને સ્વરોજગારી પૂરી પાડતી ગુજરાતની એકમાત્ર ઊની ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા ઉત્પાદિત હાથ-વણાટ, હાથ-બનાવટની આકર્ષક શાલથી ગોવિંદસિંહ ડાભીએ અભિવાદન કર્યું હતું.