રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 76મી પુણ્યતિથિ નિમિતે સ્મરણો થયા સજીવન
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 76મી પુણ્યતિથિ નિમિત્તે એમની કર્મ-નિર્વાણ ભૂમિ બોટાદ તથા કર્મભૂમિ રાણપુર ખાતે પુષ્પાંજલિ અર્પણ થઈ. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું.
ઝવેરચંદ મેઘાણીનું નિધન 09 માર્ચ 1947ના રોજ બોટાદ ખાતે સાળંગપુર રોડ પર રેલવે-ફાટક પાસે આવેલ અને 1933માં તેમણે બંધાવેલ નિવાસસ્થાન ખાતે થયેલું. રાણપુર સ્થિત સાપ્તાહિક અખબાર ફૂલછાબના તંત્રી તરીકે કામગીરી બજાવતાં ઝવેરચંદ મેઘાણી રહેઠાણ બોટાદ અને કાર્યસ્થળ રાણપુર વચ્ચે ટ્રેન દ્વારા દરરોજ નિયમિતપણે આવ-જા કરતાં.
રાણપુર ખાતે ભારત સરકારના મત્સ્ય, પશુપાલન, ડેરી મંત્રી અને રાજ્યસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, આયુષ, મહિલા અને બાળ વિકાસ મંત્રી અને સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, બોટાદ જિલ્લા કલેકટર બી. એ. શાહ (આઈએએસ), બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, ઈન્ચાર્જ બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અને નિવાસી અધિક કલેકટર મુકેશભાઈ પરમાર (જીએએસ), ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા અને લાલજીભાઈ મેર, સાહિત્યકાર, સંશોધક, પત્રકાર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા અને રાજુભાઈ શાહની ઉપસ્થિતિ રહી હતી.
વિશ્ર્વભરમાં વસતાં ગુજરાતીઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમજ આઝાદીની લડતમાં એમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં, સદાય અજરામર રહેશે તેમ મંત્રીઓ પરસોત્તમભાઈ રૂપાલા અને ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, બોટાદ જિલ્લા કલેકટર બી. એ. શાહ (આઈએએસ)એ લાગણીસભર અંજલિ આપી હતી. લોકગાયક અભેસિંહ રાઠોડે સ્વરાંજલિ અર્પણ કરી હતી. પિનાકી મેઘાણીએ મેઘાણી-સાહિત્ય અર્પણ કર્યું હતું.