આખરે ક્યાંથી આવે છે ગુફામાં આ પાણી ? વિજ્ઞાન પણ હજુ તેનો તાગ મેળવી શક્યું નથી

પાંડવ કાળના આ મંદિરમાં શ્રાવણ માસમાં જામે છે મેળો

કહેવાય છે કે મહાદેવ એકાંત પ્રિય છે. ભોળાનાથ હમેશા સ્મશાન કે વેરાન જગ્યાએ ધ્યાન મગ્ન રહેવાનું પસંદ કરે છે. આવી જ એક વેરાન જગ્યા કે જ્યાં થાય છે સ્વયંભૂ શિવલિંગ પર બારેમાસ અવિરત જળાભિષેક. તો આવો જાણીએ ક્યાં આવેલુ છે આ મંદિર . કોઈ સ્તોત્ર ન હોવા છતાં અવિરત પાણી ઝરવાનું શુ છે રહસ્ય?

આજે આપણે વાત કરવાના છીએ ચોટીલાથી આશરે ૧૫ કિમિ દૂર થાનગઢ રોડ પર આવેલ પૌરાણિક સ્વયંભૂ મંદિર ઝરીયા મહાદેવની. આ મંદિર સુરેન્દ્રનગરથી અંદાજે ૬૮ કિમિ  દૂર આ અલૌકિક મંદિર આવેલું છે. અહીં બારેમાસ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.તેમાંય ખાસ શ્રાવણ મહિનામાં તો ભક્તોનો મેળાવડો જામે છે.દૂર દૂરથી ભાવિકો અહીં ભોળાનાથના દર્શનાર્થે આવે છે.

અહીં બારેમાસ પથ્થરની એક શીલમાંથી અવિરત પાણી ઝરતું હોવાથી આ રમણીય મંદિરનું નામ ઝરીયા મહાદેવ પડ્યું હોવાનું મનાય છે. વર્ષોથી દર્શને આવતા ભક્તોને પણ ખ્યાલ નથી કે આ મંદિરનો ઇતિહાસ કેટલો જૂનો છે. કેટલાક વડીલોનું એવું માનવું છે કે આ ભૂમિ પાંચાળ ભૂમિ છે. બારવર્ષના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અહીંની પવન ભૂમિ પર વસવાટ કર્યો હતો. એટલે પાંડવોના સમયનું આ મંદિર છે તેવું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે પાંડવો અહીં સ્વયંભૂ મહાદેવની પૂજા કરતા હતા.

પ્રભુ અને પ્રકૃતિનો અલૌકિક સંગમ એટલે ઝરીયા મહાદેવ. આ મંદિરની આસપાસનો વિસ્તાર વેરાન વગડા સમો. માત્ર ચોમાસામાં જ અહીં લીલોતરી જોવા મળે. છતાં ચટ્ટાન માંથી બારેમાસ અવિરત પાણી ટપકતું રહે છે. વિજ્ઞાન પણ આજદિન સુધી આ રહસ્યનો તાગ મેળવી શક્યું નથી. વગડાની નીરવ શાંતિમાં અહીં પક્ષીઓનો મધુર કલરવ સંભળાય છે.પક્ષીઓના કલરવથી સુમસન વગડાનું વાતાવરણ પણ પ્રફુલ્લિત બની જાય છે. શ્રાવણ માસમાં અને ખાસ કરીને શ્રાવણીયા સોમવારે અહીં મેળો ભરાય છે. દૂર દૂરથી લોકો મહાદેવના દર્શન અને મેળો માણવા આવે છે. તો કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ અહીં વનભોજનનો પણ આનંદ લે છે. અહીં પથ્થરની ઉપર પથ્થર મુકવાની એક અનોખી માન્યતા પણ છે. અહીં આવતા દર્શનાર્થીઓ એવું મને છે કે એમ કરવાથી ભવિષ્યમાં પોતાનું ઘણું ઘર બને છે.

મંદિરના ગર્ભગૃહમાં પથ્થરની એક મોટી શીલા નીચે સ્વયંભૂ મહાદેવ બિરાજમાન છે. શીલમાંથી ટપકતું પાણી આગળના એક કુંડમાં જમા થાય છે. જેને ભાવિકો પ્રસાદ તરીકે પીવે છે. ગુફામાં પ્રવેશતાની સાથે જાણે ઠંડુ બરફ જેવું વાતાવરણ અનુભવાય છે. કાળે ઉનાળે પણ એવી જ ઠંડક હોય છે અને શીવલિંગ પર પણ મેઘવર્ષાની જેમ પાણી ટપકતું રહે છે. ગુફાને અડીને વર્ષો જૂનો વડલો પણ છે.આ શિવલિંગનો પ્રાગટય કેટલો પુરાણો છે તેનો હજુ સુધી કોઈ પાસે તાગ નથી. વેરાન વગડામાં પણ દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. પ્રકૃતિ ,ભક્તિ અને આસ્થાના આ ત્રિવેણી સંગમ એવા સ્વયંભૂ ઝરીયા મહાદેવના એકવાર અચૂક દર્શનો લ્હાવો લેવા જેવો છે. હર હર મહાદેવ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.