મોરના ઈંડા ચિતરવા ન પડે
અમદાવાદ ખાતે 58 ગુજરાતી સ્ટેટ ચેમ્પિયન શીપમાં લીધો ભાગ: કેરલ ખાતે ભાગ લેશે
અમદાવાદ ખાતે યોજાયેલા શૂટિંગમાં રાજકોટના રાજવી પરિવારના યુવરાજ સાહેબ જયદીપસિંહજી જાડેજાએ ગોલ્ડ અને સુવર્ણચંદ્રક મેડલ હાંસલ કર્યો છે. અમદાવાદ શહેરની અમદાવાદ મિલેટરી અને રાયફલ કલબ ખાતે યોજાયેલ 58 મી ગુજરાત સ્ટેટ ચેમ્પિયન શીપ 2022 શૂટિંગમાં યુવરાજ સાહેબ જયદીપસિંહજી માંધાતાસિંહજી જાડેજા એ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં 25 મીટર સેંટર ફાયર પિસ્તોલ ચેમ્પિયનશિપમાં 300માંથી 277 પોઇન્ટ મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. જ્યારે 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ ચેમ્પિયનશિપમાં 300 માંથી 261 પોઇન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યા હતા.
રાજકોટના પૂર્વ ઠાકોર સાહેબ અને તત્કાલીન નાણામંત્રી સ્વ મનોહરસિંહજી જાડેજા ક્રિકેટ ક્ષેત્રે તેમજ રાજકુમારી મૃદુલાકુમારી માંધાતાસિંહજી જાડેજા રણજીત ટ્રોફી મહિલા ક્રિકેટ ટીમનું સુકાન સંભાળેલું હતું. મોરના ઈંડા ચીતરવા ન પડે તેમ રાજકોટના રાજવી પરિવારના યુવરાજ સાહેબ જયદીપસિંહ જાડેજાએ શૂટિંગમાં કૌશલ્ય બતાવી ઉકતીને સાર્થક કરી છે. કોચ પરમરાજસિંહ રાણા ના માર્ગદર્શન હેઠળ જયદીપસિંહજીએ આ કૌવત બતાવ્યું હતું. રાજકોટના યુવરાજે આ સફળતાને લઈને સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશ ભરના રાજવી પરિવારો, રાજકોટના વિવિધ સમાજના અગ્રણીઓ અને મોભીઓ દ્વારા રાજકોટનું નામ રોશન કર્યું તે અંગે શુભેચ્છા પાઠવી હતી.