- યુવક મહોત્સવના સ્પર્ધકોને સાયન્સ સિટીમાં ફ્રી એન્ટ્રી: યુવક મહોત્સવમાં અવ્વલ આવનાર વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ
- જાણીતા લોકવાર્તાકારના નામ પર ‘કાનજી ભુટા બારોટ રંગમંચ’, પૂર્વ રાષ્ટ્રપતિ અને મીસાઈલમેનના નામ પરથી ‘ડો.એ.પી.જે.અબ્દુલ કલામ વિજ્ઞાન પ્રયોગશાળા’ નામકરણ કરાયું
- યુવક મહોત્સવમાં આજે વકૃત્વ સ્પર્ધા ‘ભારતનું આત્મનિર્ભરતા તરફનું પ્રયાણ’ વિષય પર યોજાઈ
- કાલે આત્મ નિર્ભર ભારતની દૂરગામી અસરો’ વિષય પર ડીબેટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુશુપ્ત શકિતઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવા તેમજ યુવાનોની શકિતને પ્રગટાવતી વિવિધ સ્પર્ધાઓમાં હજારો સ્પર્ધકો સામેલ થાય તેવા શુભ હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે . આ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 50 મો યુવક મહોત્સવ ” અમૃત કલા મહોત્સવ ” નું આયોજન આગામી તા . 23,24 અને 25 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવેલ છે .
કાર્યક્રમના પ્રારંભે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી , કુલપતિ પ્રોફે . ગિરીશભાઈ ભીમાણી તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકેલ હતો . આ સમયે સંસ્કૃત ભવનના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતના શ્લોકનું ગાન કરવામાં આવેલ હતું .
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 50 મા યુવક મહોત્સવ ” અમૃત કલા મહોત્સવ ” નું ઉદધાટન તા . 23 ના રોજ ગુજરાત રાજયના કેબીનેટકક્ષાના શિક્ષણમંત્રીજીતુભાઈ વાઘાણીના વરદહસ્તે કરવામાં આવ્યું .
આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં નવનિર્માણ પામેલ ત્રણ બિલ્ડીંગો ઓપન એર સ્ટેજ , એક્ષટેન્શન ઓફ કમ્બાઈન્ડ સાયન્સ લેબોરેટરી અને સ્પોર્ટસ હોસ્ટેલનું લોકાર્પણ તથા આગામી સમયમાં નિર્માણ પામનાર એમ.સી.એ. ભવન , ભાષા ભવન અને નવા આઈ.યૂ.એ.સી. બિલ્ડીંગનું ખાતમુહૂર્ત ગુજરાત રાજયના કેબીનેટકક્ષાના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના વરદહસ્તે કરવામાં આવેલ હતું .
શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ ત્રિવિધ કાર્યક્રમમાં યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 50 મા યુવક મહોત્સવ ” અમૃત કલા મહોત્સવ ” નો શુભારંભ થયેલ છે . યુવક મહોત્સવ એ યુવાનોમાં રહેલી પ્રતિભાના પ્રાગટયનો અવસર છે . ત્રણ દિવસ ચાલનારા આ યુવક મહોત્સવમાં કુલ 36 ઈવેન્ટસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 62 કોલેજોના 1350 જેટલા યુવાનો પોતાનામાં રહેલી કળા અને પ્રતિભાને ઉજાગર કરશે એ જાણી હું આનંદની લાગણી વ્યકત કરૂં છું . ભારતના યુવાનોમાં હીર રહેલું છે અને એમાં પણ આપણા ગુજરાતના યુવાનો ખમીરવંતા છે .
આ કાર્યક્રમ દરમ્યાન યુવક મહોત્સવના સ્પર્ધકોને સાયન્સ સીટીમાં ફી એન્ટ્રીની શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી હતી . શિક્ષણમંત્રી એ જણાવ્યું હતું કે વિશ્વવિદ્યાલયો એ માત્ર મકાનો નથી પરંતુ યુવાનોના સ્વપ્નોના આશ્રય સ્થાન છે શિક્ષણમંત્રી એ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે રાજય સરકાર સતત કાર્યરત છે . આજે રાજયમાં 104 જેટલી યુનિવર્સિટીઓ , 300 થી વધુ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો , 4000 સરકારી શાળાઓ અને 3200 ગ્રાન્ટેડ શાળાઓ કાર્યરત છે .
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે . ગિરીશભાઈ ભીમાણીએ આ ત્રિવિધ કાર્યક્રમમાં યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર એ શિક્ષણ , ધર્મ , સંસ્કૃતિ , સંસ્કૃત અને સંસ્કારોનું રક્ષણ કરતી સંતો , સારસ્વતો , લેખકો , કવિઓ અને શુરાઓની ભૂમી છે . સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે પધારેલ આદરણીય શિક્ષણમંત્રીશ્ર હૃદયપૂર્વક સ્વાગત કરું છું . સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત યુવક મહોત્સવમાં કુલ 36 સ્પર્ધાઓમાં 1350 જેટલા સ્પર્ધકો પોતાની કળા રજૂ કરશે .
સૌરાષ્ટ્રના લોકગીતો , પ્રાચીન રાસ , દુધ – છંદ , સંગીત , નાટક એની આગવી વિશેષ્નાઓ રહેલી છે . રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીએ ગામડે ગામડે જઈને આપણી આ લોકસંસ્કૃતિને આપણી સમક્ષ મુકી છે અને હેમુભાઈ ગઢવીએ આ લોકગીતોને પોતાનો સ્વર આપ્યો છે . જેના કારણે આજે પણ આપણા લોકગીતો અને લોકસંસ્કૃતી આપણા હૃદયમાં જીવંત છે.
કુલપતિએ આ યુવક મહોત્સવમાં અવ્વલ આવનાર વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ કરવાની જાહેરાત કરી હતી . સાથે સાથે આ યુવક મહોત્સવમાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જામનગરની સરકારી ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજને ’ નેક ’ માં ’ એ ગ્રેડ ’ મળવા બદલ કોલેજના આચાર્ય ડો . આર.યુ. પુરોહિતનું પ્રમાણપત્ર અને શાલ દ્વારા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ સન્માન કરેલ હતું.
જાણીતા લોકવાર્તાકાર કાનજી ભુટા બારોટના સુપુત્ર મનુભાઈ બારોટ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા .
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમૃત કલા મહોત્સવમાં જાણે મેઘધનુષ્યના સાત રંગ ખીલી ઉઠયા . આજે બીજા દિવસે ગઝલ , શાયરી , કાવ્ય લેખન અને પઠન , કાર્ટુનીંગ , વેસ્ટર્ન વોકલ સોલો , કોલાજ અને કવીઝ જેવી સ્પર્ધાઓ યોજાઈ.
પ્રાચીન રાસ, એકાંકી અને કાવ્ય પઠનમાં યુવકોએ કૌશલ્ય બતાવ્યું
ત્રિદીવસીય યુવક મહોત્સવમાં આજે તા . 24/9/2022 ના રોજ બીજા દીવસે સાહિત્ય વિભાગમાં વિવિધ સ્પર્ધાઓમાં કુલ 183 , કલા વિભાગમાં વિવિધ સ્પર્ધાઓમાં કુલ 67 અને સાંસ્કૃતિક વિભાગમાં વિવિધ સ્પર્ધાઓમાં કુલ 363 એમ ત્રણ વિભાગોમાં કુલ 16 સ્પર્ધામાં 613 જેટલા યુવાનો પોતાની કળા રજૂ કરી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવી હતી.
આજે તા . 24/9/2022 ના રોજ પ્રાચીન રાસમાં ખામટાની મહિલા કોલેજ , વઢવાણની એસ.જે. વરમોરા મહિલા કોલેજ , ધ્રોલની યુ.પી.ઈ.ટી. મહિલા કોલેજ , રાજકોટની ગીતાંજલી કોલેજ , રાજકોટની ટી.એન.રાવ કોલેજ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ સ્થિત સમાજશાસ્ત્ર ભવન તથા રાજકોટની કોટક સાયન્સ સરકારી કોલેજના વિદ્યાર્થીઓએ પ્રાચીન અને અર્વાચીન રાસ રજૂ કરેલ હતા . આજે તા . 24/9/2022 ના રોજ એકાંકી સ્પર્ધામાં રાજકોટની કણસાગરા મહિલા કોલેજ જે.એચ. ભાલોડીયા મહિલા કોલેજ , હરીવંદના ફીઝીયોથેરાપી કોલેજ , ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ તથા સુરેન્દ્રનગરની એમ.પી. શાહ કોલેજ દ્વારા એકાંકી રજૂ કરવામાં આવેલ હતું .
આજે તા . 24/9/2022 ના રોજ યોજાએલ વકૃત્વ સ્પર્ધામાં ” ભારતનું આત્મનિર્ભરતા તરફનું પ્રયાણ ” વિષય પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કરી વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો . આવતીકાલે તા . 25/92022 ના રોજ યોજાનાર સાહિત્ય વિભાગની ડીબેટ સ્પર્ધામાં ” આત્મનિર્ભર ભારતની દુરગામી અસરો ” વિષય પર ડીબેટ સ્પર્ધામાં સ્પર્ધકો ચર્ચા કરી પોતાના વિચારો રજૂ કરશે .