સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં સ્પર્ધકોએ આજે ગઝલ, લેખન, ડિબેટ, ચિત્રકલા, ભજન, પ્રાચીન, રાસ સહિતના પર્ફોમન્સ રજુ કર્યા: આવતીકાલે પણ અનેકવિધ કાર્યક્રમ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુસુપ્ત શકિતઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવા તેમજ યુવાનોની શકિતને પ્રગટાવતી વિવિધ સ્પર્ધાઓમાં હજારો સ્પર્ધકો સામેલ થાય તેવા શુભ હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્સવનું આયોજન થાય છે. તે અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસ ખાતે તા.૧,૨ અને ૩ ઓકટોબર એમ ત્રણ દિવસનો ૪૭માં યુવક મહોત્સવનો વિશાળ વિદ્યાર્થીઓના ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ વચ્ચે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ડો.ધનસુખભાઈ ભંડેરીએ રવિવારના રોજ વિધિવત રીતે દિપ પ્રાગટય કરી પ્રારંભ કરાવેલ હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાજકોટના કલેકટર ડો.વિક્રાંત પાંડે ઉપસ્થિત રહ્યા હતા.યુવક મહોત્સવના કાર્યક્રમના પ્રારંભે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ડો.ધનસુખભાઈ ભંડેરીનું પુસ્તક, સુતરની આંટી અને રૂમાલ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય સર્વ ડો.ગીરીશભાઈ ભીમાણી તથા ડો.વિજયભાઈ પટેલે સ્વાગત કરેલ હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડો.ધીરેન પંડયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં સ્વાગત પ્રવચન અને પૂર્વભૂમિકા આપતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટી કેમ્પસ ખાતે ૪૭માં યુવક મહોત્સવનું આયોજન થઈ રહેલ છે એનો મને આનંદ છે. સમગ્ર સૌરાષ્ટ્રભની ૮૪ કોલેજોના આશરે ૧૮૦૯ જેટલા સ્પર્ધકો ૩૩ જેટલી સ્પર્ધાઓમાં સહભાગી થવા માટે થનગની રહ્યા છે. આ યુવક મહોત્સવમાં સાહિત્ય વિભાગમાં ૫ સ્પર્ધામાં ૩૪૫ સ્પર્ધકો, કલા વિભાગમાં ૯ સ્પર્ધામાં ૨૭૮ સ્પર્ધકો તેમજ સાંસ્કૃતિક વિભાગમાં ૧૯ સ્પર્ધામાં ૧૧૮૬ કુલ મળીને ૧૮૦૯ જેટલા સ્પર્ધકો યુવક મહોત્સવમાં સહભાગી થઈ રહ્યા છે.આજના કાર્યક્રમના ઉદઘાટક તરીકે સંબોધતા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ડો.ધનસુખભાઈ ભંડેરીએ જણાવયું હતું કે, યુવાનોમાં છુપાયેલી સુશુપ્ત શકિત બહાર લાવવા અને વિદ્યાર્થીઓને તેનામાં રહેલું કૌશલ્ય, કલા અને ઈતર પ્રવૃતિઓમાં કૌશલ્ય ખીલે તે માટે રાજય સરકાર દ્વારા સપ્તધારા, ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ પ્રકારના કાર્યક્રમોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંમેશા અગ્રેસર રહે છે તેનો મને આનંદ છે. મુખ્ય અતિથિ તરીકે સંબોધતા રાજકોટના કલેકટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે યુવા મહોતસવએ પ્રતિભા પારખવાનું પર્વ છે. યુવાનોમાં રહેલી સુશુપ્ત શકિતઓ બહાર લાવવાનું પ્લેટફોર્મ છે. યુવા મહોત્સવએ ફકત ત્રણ દિવસનો જ નહીં પરંતુ સમગ્ર યુવાનીએ ઉત્સવ બની રહે તે વ્યકિતત્વના વિકાસ માટે એટલી જ જરૂરી છે.કાર્યક્રમનું સંચાલન હયુમન ડેવલોપમેન્ટ સેન્ટરના ડાયરેકટર ડો.કલાધર આર્યએ કરેલ હતું. કાર્યક્રમની આભારવિધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અમીતભાઈ પારેખે કરેલ હતી. ૪૭માં યુવક મહોત્સવને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કુલસચિવ ડો.ધીરેનભાઈ પંડયા, શારીરિક શિક્ષણ વિભાગના જે.પી.બારડ અને સમગ્ર યુનિવર્સિટી પરીવાર આ ગરમીપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.યુવક મહોત્સવના બીજા દિવસે ગઝલ શાયરી, લેખન, ડિબેટ, ચિત્રકલા, કાર્ટુનિગ, કોલેજ, શાસ્ત્રીય કંઠય સંગીત, ભજન, પ્રાચીન રાસ, એકાંકી, વેસ્ટર્ન વોકળ, સોલો, શાસ્ત્રીય નૃતય સહિતની સ્પર્ધામાં સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. યુવક મહોત્સવના ત્રીજા દિવસે એટલે કે આવતીકાલે કલે મોડેલીંગ, રંગોળી, મુખ અભિનય, દુહા-છંદ, સમુહગીત, શાસ્ત્રી વાદ્યસંગીત, લઘુ નાટક અને મીમીક્રી સહિતના અનેક કાર્યક્રમોમાં સ્પર્ધકો ભાગ લેશે.