- નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને સરકારની અરજી ફગાવી : 6 વર્ષ જુના કેસમાં નેસ્લેને મળી રાહત
નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને મેગી નુડલ્સ વિરુદ્ધની સરકારની અરજી ફગાવી દીધી છે. 6 વર્ષ જુના કેસમાં નેસ્લેને રાહત મળી છે. જેથી એવું ચિત્ર ઉપસ્યું છે કે મેગી નુડલ્સ નુકસાન કર્તા નથી.
નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનએ નેસ્લે ઇન્ડિયા લિમિટેડની તરફેણમાં મેગી નૂડલ્સના વેચાણ સામે સરકારની 2015ની અરજીને ફગાવી દીધી છે. એફએમસીજી કંપની નેસ્લેએ 4 એપ્રિલે તેના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે. આ કેસમાં સરકારે નેસ્લે પાસેથી રૂ. 284.55 કરોડનું વળતર અને રૂ. 355.41 કરોડનું નુકસાન પણ માંગ્યું હતું.
વાસ્તવમાં, નેસ્લે ઇન્ડિયાનો ચોખ્ખો નફો 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 4.38% વધીને રૂ. 655.61 કરોડ થયો છે. માહિતી અનુસાર, ડિસેમ્બર ક્વાર્ટરમાં નેસ્લે ઈન્ડિયાનો કુલ ખર્ચ 6.11% વધીને 3,636.94 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે નેસ્લે ઇન્ડિયાનું સ્થાનિક વેચાણ 8.86% વધીને રૂ. 4,421.79 કરોડ થયું છે.
2015માં મેગી ઉપર છ મહિના માટે પ્રતિબંધ લાગ્યો હતો
જૂન 2015 માં, નિર્ધારિત મર્યાદા કરતાં વધુ રસાયણોના આરોપો બાદ મેગી પર છ મહિના માટે સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ કંપનીએ 38,000 ટન મેગી નૂડલ્સ પરત મંગાવીને તેનો નાશ કરવો પડ્યો હતો. આ પછી નવેમ્બર 2015માં પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો હતો.