સીજેઆઈ એન.વી.રમનાએ અનુગામી ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ લલિતના નામની કરી ભલામણ
ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમનાએ આજે તેમના અનુગામી તરીકે ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતના નામની ભલામણ કરી હતી. જસ્ટિસ લલિત ભારતના 49માં ચીફ જસ્ટિસ હશે. નોંધનીય છે કે ચીફ જસ્ટિસ એન. વી. રમના આ મહિને 27 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ યુયુ લલિત હાલમાં સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ કેન્દ્ર સરકારને તેમના અનુગામી તરીકે જસ્ટિસ યુ યુ લલિતના નામની ભલામણ કરી છે. 27 ઓગસ્ટે શપથ લેનાર જસ્ટિસ લલિતનો મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ 8 નવેમ્બર સુધી રહેશે.
જસ્ટિસ લલિત, વર્તમાન ચીફ જસ્ટિસ એન. વી. રમના નિવૃત્ત થયાના એક દિવસ પછી 27 ઓગસ્ટે, તેઓ ભારતના 49મા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનવાની લાઇનમાં છે. જસ્ટિસ લલિતની 13 ઓગસ્ટ 2014 ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે તેઓ જાણીતા વકીલ હતા. જસ્ટિસ લલિત ત્યારથી સર્વોચ્ચ અદાલતના અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓનો ભાગ રહ્યા છે. પાંચ જજોની બંધારણીય બેન્ચે ઓગસ્ટ 2017માં 3-2 બહુમતીથી ‘ટ્રિપલ તલાક’ને ગેરબંધારણીય જાહેર કરી હતી. તે ત્રણ જજોમાં જસ્ટિસ લલિત પણ હતા. અન્ય મહત્વના નિર્ણયમાં, જસ્ટિસ લલિતની આગેવાની હેઠળની બેન્ચે ઠરાવ્યું હતું કે કેરળના ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરનું સંચાલન કરવાનો અધિકાર ત્રાવણકોરના પૂર્વ રાજવી પરિવાર પાસે છે.
9 નવેમ્બર, 1957 ના રોજ જન્મેલા જસ્ટિસ લલિતે જૂન 1983 માં એડવોકેટ તરીકે નોંધણી કરાવી હતી અને ડિસેમ્બર 1985 સુધી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. તેઓ જાન્યુઆરી 1986 માં દિલ્હી ગયા અને કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી અને એપ્રિલ 2004 માં તેમને સર્વોચ્ચ અદાલતે વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કર્યા. 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કેસની સુનાવણી માટે તેમને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ લલિત 8 નવેમ્બર, 2022 ના રોજ નિવૃત્ત થશે.