યુટ્યુબે બુધવારે વધુ એક નવું ફીચર લોન્ચ કર્યું છે. જેનું નામ ‘સુપર થેન્ક્સ’ રાખવામાં આવ્યું છે. જેના થકી વિડીયો બનાવનાર લોકો માટે નાણાંકીય આવક ઉભી કરવા માધ્યમ પૂરું પાડશે. એક નિવેદન અનુસાર વિડીયોના વ્યુઅર્સ પેજ એડમીનનો આભાર વ્યક્ત કરવા અથવા તો સમર્થન આપવા માટે ‘સુપર થેન્ક્સ’ ખરીદી શકશે.
‘સુપર થેન્ક્સ’ ખરીદનાર વ્યુઅર્સને વધારાની સવલતો આપવામાં આવશે. જેમાં એનિમેટેડ જીઆઈએફ, રંગીન કમેન્ટનો વિકલ્પ આપવામાં આવશે અને આ વ્યુઅર્સની કમેન્ટબો જવાબ પેજ એડમીન સરળતાથી આપી શકશે. હાલ ‘સુપર થેન્ક્સ’ની કિંમત ૨ ડોલરથી ૫૦ ડોલર સુધી રાખવામાં આવી છે. હાલ સુધી આ ફીચર પરીક્ષણના તબક્કામાં હતું અને હાલ હજારો યુઝર્સ માટે ઉપલબ્ધ છે.
ચાહકો તેમના મનપસંદ વિડીયો બનાવનારાઓનો આભાર ‘સુપર થેન્ક્સ’થી માની શકશે!!
યુટ્યુબના ‘સુપર થેન્ક્સ’ ફીચરના માધ્યમથી સર્જનાત્મક વિડીયો બનાવનારાઓને આવક ઉભી કરવાનો વધુ એક સ્ત્રોત આપે છે. જેના માધ્યમથી વ્યુઅર તેમના મનપસંદ ક્રિએટરનો ડિજિટલી આભાર માની શકે છે અને સહયોગ આપી શકે છે સામે ક્રિએટરને સીધી જ આવક થાય છે.
યુટ્યુબે કહ્યું છે કે, આ સુવિધા ૬૮ દેશના ડેસ્કટોપ અને મોબાઈલ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. સર્જનાત્મક વિડીયો બનાવનાર અમુક નિયમોનું પાલન કરીને જાણી શકશે કે તેઓ આ કેટેગરીમાં છે કે કેમ? જો હાલ વિડીયો બનાવનાર આ કેટેગરીમાં નથી તો ચિંતા કરવાની બિલકુલ જરૂરિયાત નથી કેમ કે, આ વર્ષના અંત સુધીમાં તમામ વિડીયો ક્રિએટર માટે આ ફિચરની ઉપલબ્ધ કરી દેવામાં આવશે તેવું યુટ્યુબ દ્વારા જણાવવામાં આવ્યું છે.
યુટ્યુબના અધિકારી નિલ મોહને કહ્યું છે કે, યુટ્યુબમાં અમે હંમેશા નવા નવા ફીચર્સ ઉમેરવા માટે તત્પર હોઈએ છીએ, જેના માધ્યમથી સર્જનાત્મક વિડીયો બનાવનારા યુટ્યુબ થકી પોતાની આવક વધારી શકે તેવો અમારો હેતુ હોય છે. જેના કારણે યુટ્યુબના નવા ફીચર ‘સુપર થેન્ક્સ’ના લોન્ચિંગ માટે અમે ઉત્સુક છીએ. આ ફીચર સર્જનાત્મક વિડીયો બનાવનારાઓ માટે આવક ઉભું કરવાનું વધુ એક સાધન બનશે અને પ્રેક્ષકો સાથે તેમનો સબંધ પણ વધુ ગાઢ થશે.
નોંધનીય છે કે, યુટ્યુબ સુપર ચેટ અને સુપર સ્ટીકર્સ જેવી સુવિધા પણ આપી રહ્યું છે જેની શરૂઆત અનુક્રમે વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૯માં કરવામાં આવી હતી. સુપર ચેટ એક હાઇલાઇટ કરેલો સંદેશ છેકે ક્રિએટરનું ધ્યાન વધુ આકર્ષિત કરે છે અને વ્યુઅરના સંદેશને અન્યથી જુદો પાડે છે. સુપર ચેટ ૫ કલાક સુધી તમામ ચેટની ઉપર રહે છે. તે જ પ્રકારે સુપર સ્ટીકર્સ લાઈવ સ્ટ્રીમિંગ અને પ્રસારણ સમયે ક્રિએટર્સ પાસેથી સ્ટીકર્સ ખરીદવાનો વિકલ્પ પૂરો પાડે છે.