ચાર દિવસથી લાપતા બનેલા પરપ્રાંતિયની શૌચાયલમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી.
હત્યા કરી લાશને બાથરૂમમાં ફેંકી દરવાજાને તાળુ લગાવ્યું.
શહેરના વાણીયાવાડી વિસ્તારમાં આવેલા બગીચા નજીકના જાહેર શૌચાલયમાંથી પરપ્રાંતિય યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા ભક્તિનગર પોલીસે હત્યાની શંકા સાથે તપાસ હાથધરી છે.વાણીયાવાડીના જાહેર શૌચાલયમાં અતિશય દુર્ગંધ આવતી હોવાની ભક્તિનગર પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
શૌચાલયના છેલ્લા ચારેક દિવસથી તાળુ લગાવેલા બાથરૂમમાં અતિશય દુર્ગંધ આવતી હોવાથી એસીપી પ્રદિપસિંહ જાડેજા, પી.આઇ. વી.કે.ગઢવી, રાઇટર નિલેશ મકવાણા સહિતના સ્ટાફે શૌચાલયના તાળા તોડાવી તપાસ કરતા આશરે ૩૫ વર્ષના અજાણ્યા યુવાનનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
વાણીયાવાડીના જાહેર શૌચાલય પાસે લોકોના ટોળે ટોળા એકઠાં થયા હતા. પોલીસ તપાસ દરમિયાન ભગવતીપરામાં રહેતા પ્રદિપ રાજેન્દ્ર કુસવા નામના ૩૫ વર્ષનો મૃતદેહ હોવાની ઓળખ મળી હતી. મુળ ઉત્તર પ્રદેશના વતની અને વાણીયાવાડી જાહેર શૌચાલયના કોન્ટ્રાકટર પ્રદિપ કુસવા ગત તા.૧૬મીએ પોતાના ઘરેથી ગુમ થયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પ્રદિપ કુસવાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી શૌચાલતના દરવાજાને બહારથી તાળુ લગાવી દીધું હોવાથી પોલીસે આસપાસ વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવી પ્રદિપ કુસવાની લાશને શૌચાલયમાં નાખી દરવાજાને બહારથી તાળુ કોણે લગાવ્યું તે અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે પ્રદિપ કુસવાની લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને હોસ્પિટલ ખસેડી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પ્રદિપ કુસવાનું મોત કંઇ રીતે થયું તે અંગેની વિશેષ વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે. આમ છતાં પ્રદિપ કુસવાની હત્યાની શંકા સાથે તેને કોઇ સાથે દુશ્મની હતી કે કેમ અને છેલ્લે કોને મળ્યો હતો તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ હાથધરવામાં આવી છે.