અનુકૂળ વાતાવરણમાં પોલીસ ભરતી પ્રક્રિયા શરૂ કરાશે,ગરમી તેમજ ચોમાસામાં મુશ્કેલ
પોલીસ આવાસોના લોકાર્પણમાં સંઘવીએ કહ્યું “આ મકાન તમારા છે સરકારના નહીં” તે રીતે રહેજો
પોલીસ કમિશ્નરને મળેલ રાષ્ટ્રીય સન્માન બદલ ગૃહમંત્રીએ પાઠવ્યા અભિનંદન ,પોલીસ અધિકારીઓને મળેલ આ સન્માન બદલ રાજ્યનું ગૌરવ વધ્યું
રાજકોટ પોલીસ હેડકવાર્ટર ખાતે રાજકોટ શહેરના પોલીસ કર્મીઓ માટે તૈયાર થયેલ ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લી. દ્વારા નવનિર્મિત બી કક્ષાના 80 તથા સી કક્ષાના 40 મળી કુલ 120 પોલીસ આવાસોનું લોકાર્પણ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે કરવામાં આવ્યું હતું.આ તકે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ તમામ મકાન સરકારના નહીં પરંતુ તમારા પોતાનાજ સમજીને આપ રહેજો.પોલીસ ભરતીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે.ઉનાળા અને ચોમાસાને કારણે ફિઝિકલ પરીક્ષા લઈ શકાતી નથી.સપ્ટેમ્બર મહિના પછી સરકાર ભરતીનું આયોજન કરશે.આ તકે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને મળેલ રાષ્ટ્રીય સન્માન બદલ ગૃહમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
મંચ પર ખુરશીની પરાયણ : પોલીસ કમિશ્નરે તાત્કાલિક કરી વ્યવસ્થા
રાજકોટ શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યક્રમ ટૂંકમાં પૂર્ણ કરવાનો હતો.સૌ પ્રથમ પોલીસ આવસોના બંન્ને બિલ્ડીંગમાં લોકાર્પણ બાદ સ્ટેજ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો જોડાયા હતા.આ સમયે મંચ પર માત્ર 5 જ ખુરશીઓ રાખવામા આવી હતી.જ્યારે આમંત્રિત મહેમાનો 10 જેટલા હતા.નેતાઓને સ્ટેજ પર પ્રથમ હરોળમાં બેસવાનો મોહ છૂટતો ન હોઈ પરંતુ અહીંયા સ્વૈચ્છિક પરિસ્થિતિ સમજી નેતાઓ પબ્લિકની હરોળમાં બેસી ગયા હતા.હર્ષ સંઘવીએ તુર્તજ સ્ટેજ પર તમામ મહેમાનોને બેસવા બોલાવતા તાત્કાલિક કમિશ્નરે વધુ ખુરશીઓ ગોઠવવાની સૂચના આપી હતી.કલેક્ટર,મેયર, તમામ ધારાસભ્ય ,ભાજપ શહેર પ્રમુખ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગરમી અને ચોમાસાની ઋતુમાં પોલીસ ભરતીમાં ફીઝીકલ ટેસ્ટ લેવામાં ખૂબ તકલીફ પડે
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતી પ્રક્રિયા વિશે મીડિયાને જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતી શરૂ થશે.યુવાનોને પોલીસ ભરતી માટે રાહ જોવી નહીં પડે તે પ્રકારનું સરકારનું આયોજન છે.આ પ્રકારની ભરતીમાં ગરમી અને ચોમાસાની ઋતુમાં ફીઝીકલ ટેસ્ટમાં ખૂબ તકલીફ પડે છે.માટે જેવી ગરમી જશે તરતજ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.અનુકૂળ વાતાવરણ ને ધ્યાને લઇ સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવે છે.
સંઘવીની પોલીસ કર્મીઓને ટકોર : આ મકાન સરકારના નહીં તમારા જ છે
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ શહેરમાં પોલીસ હેડ કવાર્ટર ખાતે નવા તૈયાર થયેલ 120 આવાસોનું લોકાર્પણ કર્યું હતું આ તકે મંચ પરથી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ અને કર્મીઓને હળવી ભાષામાં ટકોર કરતા જણાવ્યું હતું કે આ મકાનો સરકારના નથી તમારા જ છે તે રીતે રહેજો.હર્ષ સંઘવી સાથે આ કાર્યક્રમમાં મેયર ,ધારાસભ્યો , શહેર પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા હતા.
ગૃહમંત્રીએ પોલીસ કમિશ્નરને ભારત સરકાર તરફથી મળેલ સન્માન બદલ પાઠવ્યા અભિનંદન
ભારત સરકારના અતિ ઉત્કૃષ્ટ સેવા પદક અંગેના ચંદ્રક વિજેતા તરીકે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવનું નામ જાહેર થતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ પોલીસ કમિશ્નરને અભિનંદન પાઠવ્યા હતા.ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ પોલિસ કમિશ્નર, IPS રાજુ ભાર્ગવને રાષ્ટ્રીય લેવલે મળેલ આ સન્માન બદલ રાજ્યનું ગૌરવ વધ્યું છે.રાજકોટ શહેના પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને બિરદાવ્યા હતા.