એક સાથે બબ્બે લીફટ બંધ થઈ જતાં થોડીવાર માટે સર્જાયો અફરા-તફરીનો માહોલ
કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આજે સવારે અચાનક વીજળી ગુલ થવાના કારણે અને અન્ય ટેકનીકલ સમસ્યાના કારણે કમિશનર વિભાગ તરફની બે લીફટ બંધ થઈ જવા પામી હતી. લીફટમાં ફસાયેલા એક યુવાનને ફાયર વિભાગે રેસ્કયુ કરી બહાર કાઢ્યો હતો.
પ્રાપ્ત થતી વિગત મુજબ સેન્ટ્રલ ઝોન કચેરીમાં કમિશનર વિભાગ તરફ અધિકારીઓની ચેમ્બર જ્યાં આવેલી છે તે સ્થળે આજે સવારે અચાનક એક લીફટ ટેકનીકલ કારણોસર બંધ થઈ ગઈ હતી. જેના કારણે લીફટમાં એક યુવાન ફસાયો હતો. સતત 15 મીનીટ સુધી મહેનત કરવા છતાં લીફટ ચાલુ થઈ ન હતી.
બાદમાં ફાયર બ્રિગેડના સ્ટાફે મહામહેનતે લીફટ અધવચ્ચેથી ખોલી યુવાનને બહાર કાઢ્યો હતો. આ રેસ્કયુ ઓપરેશન પૂર્ણ થયા બાદ મહાપાલિકામાં વીજળી ગુલ થઈ જવા પામી હતી. જેના કારણે વિરોધ પક્ષના નેતાની ચેમ્બર પાસે આવેલી લીફટ પણ અચાનક બંધ થઈ ગઈ હતી જેમાં 3 લોકો ફસાઈ ગયા હતા. 15 મિનિટ સુધી વીજળી ગુલ રહેતા લીફટમાં ફસાઈ ગયેલા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. લીફટ બંધ થવાની ઘટના રોજીંદી બની જાય છે. જો કે, આજે અચાનક બે વાર લીફટ થતાં અરજદારોનો જીવ તાળવે ચોટી ગયો હતો.