- જેના જીવનમાં લક્ષ્ય નથી એતો રમતી ગાતી, હસતી બોલતી લાશ જ છે’: સ્વામિ વિવેકાનંદ
- ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ દર વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. 1985માં આ દિવસની શરૂઆત થઈ હતી.12 જાન્યુઆરી 2025ના દિવસે 40મો રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાશે.
આ દિવસની ઉજવણીનો હેતુ યુવાનોને સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રેરિત કરવાનો છે. યુવાનો આપણા દેશની તાકાત છે, જો દેશના યુવાનો વિવેકાનંદના વિચારોને અનુસરે તો આપણો દેશ શક્તિશાળી બની શકે. દેશના વિકાસમાં યુવાનોનું બહુ મોટું યોગદાન છે. સ્વામી વિવેકાનંદજીએ યુવાનોને પોતાના જીવનમાં નીચે જણાવેલી ચાર બાબતો આત્મસાત કરવાની શીખ આપી છે.
લક્ષ્ય નિર્ધાર: સ્વામી વિવેકાનંદના મતે વ્યકિતનો ખરેખર જન્મ લક્ષ્યની સાથે જ થાય છે.તેઓ કહેતા હતા કે,‘જેના જીવનમાં લક્ષ્ય નથી એ તો રમતી ગાતી,હસતી બોલતી લાશ જ છે.’ જયારે વ્યકિત પોતાના જીવનના વિશિષ્ટ લક્ષ્યને ઓળખી શકતો નથી ત્યાં સુધી તો એનું જીવન વ્યર્થ જ છે. યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું છે એનો નિર્ણય કરવો જોઈએ. આપણે બાળપણથી જ શું બનવું છે તેનો વિચાર કરતાં કરતાં પોતાની જાતે જ કારકિર્દીના મર્યાદિત વિકલ્પોમાં ઘેરી લઈએ છીએ અને જીવનમાં કરવા યોગ્ય બાબતોનો વિચાર જ નથી કરતા. કરવા યોગ્ય બાબતનો વિચાર કરીશું તો બનવાનું તો પોતાની મેળે જ બનીને રહેશે.
આમ,લક્ષ્ય નિર્ધાર જ જીવન કર્મ છે.એના આધારે આજીવિકા મેળવવાનું સ્વાભાવિક રીતે જ નિશ્વિત બની જશે.
આત્મવિશ્વાસ: જીવનમાં જે નક્કી કર્યું છે તે કરવા માટે સૌથી વધુ જરૂર છે, પોતાનો આત્મવિશ્વાસ.સ્વામી વિવેકાનંદ ઈશ્વરમાં વિશ્વાસની સાથે સાથે પોતાનામાં વિશ્વાસ વ્યકત કરવાનું જણાવે છે.’ પહેલાં કહેવાતું હતું કે, ઈશ્વરમાં વિશ્વાસ નહીં કરવાવાળો નાસ્તિક છે. હું કહું છું કે, જેને પોતાનામાં વિશ્વાસ નથી એ નાસ્તિક છે.’ આપણે આપણી શકિતની પરીક્ષા કર્યા વગર જ તેને મર્યાદિત કરી દીધી છે.આપણે એમ માનીને ચાલીએ છીએ કે આપણે આટલું જ કરી શકીએ, જયારે આપણી શકિત તો અમર્યાદ છે.જો યુવાનો દ્રઢ નિર્ધાર કરે તો તેમના માટે શું અશકય છે ? આપણે સામાન્ય વ્યકિતની અસામાન્ય સિદ્ધિઓથી આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ અને તેમનાં વખાણ પણ કરીએ છીએ. પરંતુ શું આપણે એમનામાંથી પ્રેરણા મેળવીએ છીએ ખરાં ? શું આપણી ભીતર આ આત્મવિશ્વાસ પેદા થાય છે કે આપણે પણ આવું કંઈક કરી શકીએ ? સ્વામીજી આપણને એ પ્રેરણા પૂરી પાડે છે કે જીવનમાં આપણી આજુબાજુ બનનાર નાની મોટી, સકારાત્મક – નકારાત્મક બધીજ ઘટનાઓ આપણને આપણી અમર્યાદ શકિતને પ્રકટ કરવાની તક પૂરી પાડે છે.
સમર્પણ: કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે સમર્પણ અનિવાર્ય છે.સ્વામીજી તેને અધ્યવસાય (મહેનત)ની સંજ્ઞા આપે છે. ‘અધ્યવસાયી આત્મા કહે છે કે,હું સાગરને પી જઈશ.સ્વાતિ નક્ષત્રના એક ટીપાંને પ્રાપ્ત કરવા માટે મોજાંની ઉપર આવીશ. એક ટીપું પ્રાપ્ત થયા પછી સમુદ્રની અગાધ ઊંડાઈમાં જઈને ધીરજપૂર્વક બેસી જઈશ, જયાં સુધી તેનું મોતી ન બની જાય !’ આપણા યુવાનોને આવા અધ્યવસાયની જરૂર છે. આપણે કોઈપણ કાર્યની શરૂઆત કરવામાં તો ખૂબ મોટી મહાનતાનો પરિચય આપીએ છીએ, પરંતુ થોડા જ સમયમાં સ્વાભાવિક રીતે જ તેનાથી વિમુખ થઈ જઈએ છીએ. આજના સ્પર્ધાત્મક યુગમાં આવા આરંભ શૂરાઓનું કામ નથી. સંપૂર્ણ સમર્પિત ભાવથી હાથ પર લીધેલા કાર્યને પૂર્ણ કરવાની ધગશથી જ યુવાનોને સફળતા મળી શકે છે.
સંગઠન: વર્તમાન યુગ સંગઠનનો યુગ છે. કોઈપણ ક્ષેત્રમાં પછી તે વ્યાવસાયિક ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું,આજે ટીમ દ્વારા કાર્ય થાય છે. વ્યકિતગત સિદ્ધિઓના સ્થાને સમૂહ દ્વારા આજે કાર્યો પૂરાં થાય છે.પછી તે વહીવટનું ક્ષેત્ર હોય કે સોફટવેરનું. મહત્ત્વ એને જ મળે છે,જે ટીમ સ્પિરિટથી કામ કરવામાં સક્ષમ હોય.વિશ્વના તમામ માનવ સંસાધન તજ્જ્ઞો આજે એજ ગુણને મહત્ત્વ આપે છે.સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સંગઠન કાર્યના ચમત્કારથી પ્રભાવિત થયા હતા. એમણે નક્કી કર્યું હતું કે, ભારતમાં પણ આ સંગઠન કૌશલ્યને પુનજીર્વિત કરવું છે. તેમણે પોતે જ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને, સંન્યાસીઓ સુધી સંગઠન કરીને સમૂહમાં કામ કરવાની તાલીમ આપી હતી. જો વર્તમાન સમયમાં ભારતના યુવાનો, સ્વામીજીના બતાવેલા આ યુવા મંત્રો; લક્ષ્ય નિર્ધાર, આત્મવિશ્વાસ, સમર્પણ અને સંગઠનને પોતાના જીવનમાં ઉતારે તો,ભારતને વિશ્વમાં અગ્રણી બનવામાં વાર નહીં લાગે. આમેય ભારત આજે વિશ્વમાં સૌથી યુવાન દેશ છે. વસતિના રૂપમાં પણ આપણે વિશ્વમાં સૌથી વધુ યુવાન તો છીએ જ, પરંતુ સુશિક્ષિત રોજગાર સક્ષમ યુવાનોની સંખ્યામાં પણ આજે ભારત મોખરે છે. એટલા માટે સ્વામી વિવેકાનંદની 162મી જયંતીએ આપણે આપણા જીવનને સાર્થક બનાવીએ અને દેશને પણ વિશ્વમાં યોગ્ય સ્થાન પર સ્થાપિત કરીએ.