- સૌ.યુનિ.નો 59મો ગરીમાપૂર્ણ પદવીદાન સમારંભ યોજાયો: 14 વિધાશાખાના 42677 દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી
- 13 વિધાશાખાના 111 વિદ્યાર્થીઓને 126 ગોલ્ડ મેડલ તેમજ 138 વિદ્યાર્થીઓને 221 પ્રાઈઝ અર્પણ
59માં પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, પૂ.સ્વામી પરમાત્માનંદજી સરસ્વતી અને ઈસરો-સેકના ડાયરેકટર નીલેષભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59 મો પદવીદાન સમારંભ ગુજરાત રાજયના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, પરમ પૂજય (ડો.) સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, ઈસરો-સેકના ડાયરેકટર નિલેષભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે યોજાએલ હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 42677 દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવેલ હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવાનો પદવીદાન સમારોહમાં મહાનુભાવો પધારતાં ગુજરાત રાજયના શિક્ષણમંત્રી (રાજયકક્ષા) પ્રફુલભાઈ પાનશેરીયા, પરમ પૂજય (ડો.) સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, ઈસરો-સેકના ડાયરેકટર નિલેષભાઈ દેસાઈનું કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશી, કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર, ઈ.ચા. પરીક્ષા નિયામક ડો. મનીષભાઈ શાહ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. ગુજરાત રાજયના શિક્ષણમંત્રી (રાજયકક્ષા) પ્રફુલભાઈ પાનશેરીયાને એન.સી.સી. ના કેડેટસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવેલ હતું.
ઈસરો-સેકના ડાયરેક્ટર નીલેષભાઈ દેસાઈએ આ તકે જણાવ્યું હતું કે, શિક્ષણ હંમેશા માતૃભાષામાં જ લેવું જોઈએ. હિન્દી અને અંગ્રેજી ભાષાની જાણકારી મેળવવી એ આવશયક છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મને આમંત્રીત કર્યો એ બદલ હું આભાર વ્યકત કરું છે. જે વિદ્યાર્થીઓએ આજે સુવર્ણચંદ્રકો અને પદવીઓ પ્રાપ્ત કરી છે એ સૌને હું મારી શુભેચ્છાઓ પાઠવું છું. ડીગ્રી મળવી એ આપની શરૂઆત છે. આજે તમારો સુવર્ણ દિવસ છે. આજની પેઢી એ ખુબ નસીબદાર છે. આજે સંશાધનો અને વ્યવસ્થા સારી રીતે ઉપલબ્ધ છે. તમે આ દેશનું ભવિષ્ય છો. એલ્બર્ડ આઈન્સ્ટાઈનએ કહયું હતુ કે આપણે શિક્ષણ મેળ્વયુ એ પછી આપણું થીન્કીંગ શું છે એ ખુબ અગત્યનું છે. આપ સૌ શિક્ષણ દ્વારા મળેલ થીન્કીંગ પાવરનો ઉપયોગ કરો. શિક્ષણથી આખું વિશ્વ બદલી શકાય છે.
આ પદવીદાન સમારોહમાં કુલ 14 વિદ્યાશાખાના 111 વિદ્યાર્થીઓને કુલ 126 ગોલ્ડમેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા દાતાઓ તરફથી આવેલ દાનના વ્યાજની રકમમાંથી કુલ 221 પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા.
પરમ પૂજય (ડો.) સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતીજીએ 59 મા પદવીદાન સમારોહમાં આશિર્વાદ પાઠવતા જણાવ્યું હતુ કે, સૃષ્ટિમાં કોઈ વસ્તુનો વીનાસ નથી, જે વીનાસ છે એ હંમેશમ નવસર્જનનું પ્રતીક છે. કોવીડમાં આપણને ખુબ તકલીફ પડી પણ આપણો એપ્રોચ, શિક્ષણનું માળખું, આપણા જીવનની દ્રષ્ટિ બધું જ બદલાઈ ગયું છે. હવે શિક્ષણની વ્યવસ્થાઓ પણ બદલાઈ છે. હવે તમારા જીવનની નવી શરૂઆત છે. મનુષ્યની યોની સિવાઈ કોઈ યોનીમાં શિક્ષણની જરૂરીયાત નથી. ભારતીય શિક્ષણ વ્યવસ્થાઓ આદી અનાદી કાળથી વૈશ્વિક ધરોહર ધરાવે છે. આપ જે ભણ્યા હોય તે વિષયમાં તજજ્ઞ બન્ને તો તમે સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરી શકશો. તમારા વિષયને પ્રેમ કરો, તમે ખૂબ આગળ વધી શકશો. તેણે માં પણ બધાને હાઈએસ્ટ પેકેજ નથી મળતું. જ્ઞાન એ તમારી શકિત છે. તમારું જ્ઞાન અને સ્કિલ થકી તમે સારી નોકરી મેળવી શકશો. આજની સદી એ જ્ઞાનની સદી છે. ડીગ્રી માટે માત્ર અભ્યાસ ન કરો. વ્યવસાય પૈસા માટે ન કરો, વ્યવસાઈ જ્ઞાન માટે કરો.
શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પદવીદાન સમારંભને સંબોધતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 59 મા વાર્ષિક પદવીદાન સમારોહમાં 14 જેટલી વિવિધ વિદ્યાશાખાના 42677 દીક્ષાર્થીઓ તથા ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મંત્રીએ યુવાનોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આજે આપ આ યુનિવર્સિટીમાંથી જ્ઞાનનું ભવ્ય ભાથું લઈને સમાજ જીવનમાં નવી શરૂઆત કરી રહ્યા છો ત્યારે આપની આ સિધ્ધિ
સમાજ, રાજય અને રાષ્ટ્રના નિર્માણ માટે આપના પ્રયાસો અને પ્રમાણિકતા ખૂબ આવશ્યક છે. તમે તમારા માતા પિતાએ સેવેલા સ્વપ્નોને પૂર્ણ કરો એ જ સાચી સેવા ગણાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજે ગુજરાત રાજયમાં શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરતી યુનિવર્સિટી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રમત-ગમત ક્ષેત્રે પણ રાષ્ટ્રીયકક્ષાએ અનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે એ વિદ્યાર્થીઓને પણ હું અભિનંદન પાઠવું છું. ભારત દેશ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તમામ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે.
આ પદવીદાન સમારોહમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાની રમતોમાં વિજેતા થયેલ તથા મેડલ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી અર્પણ કરી સન્માન કરવામાં આવેલ હતું.
આ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશી તથા કુલસચિવ ડો. રમેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ પરીક્ષા ડીગ્રી વિભાગના વિભાગીય અધિકારી રણજીતસિંહ ચાવડા, જયેશભાઈ ગોસાઈ તથા તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
આ પદવીદાન સમારોહમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યઓ, એકઝીકયૂટીવ કાઉન્સિલના સભ્યઓ, એકેડેમિક કાઉન્સિલના સભ્યઓ, કોલેજોના આચાર્યઓ, ભવનોના અધ્યક્ષઓ, યુનિવર્સિટીના અધિકારીણીઓ, શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા પદવી મેળવનાર વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિધાભ્યાસ પૂર્ણ થતા દીક્ષાંત સમારોહએ પણ એક સંસ્કાર જ છે: કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીએ 59 મા પદવીદાન સમારંભમાં ઉપસ્થિત ગુજરાત રાજયના શિક્ષણમંત્રી (રાજયકક્ષા) પ્રફુલભાઈ પાનશેરીયા, પરમ પૂજય (ડો.) સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, ઈસરો-સેકના ડાયરેકટર નિલેષભાઈ દેસાઈનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાવભર્યું સ્વાગત કર્યું હતું. કુલપતિએ પદવીદાન સમારોહમાં ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સુવિદ્યાથી માનવનાં આધારભૂત જીવન મૂલ્યો વિકસે છે અને આવી સુવિદ્યા મેળવવા માટે વિદ્યાર્થી, શિક્ષક, વાલી, સારી શિક્ષણ સંસ્થાઓ વગેરેનું હોવું અતિઆવશ્યક છે. દીક્ષાંત સમારોહ એ ભારતીય સંસ્કૃતીની ઋષિ પરંપરા છે – આપણી વૈદિક પરંપરા છે. જેમ વિદ્યા પ્રારંભ એક સંસ્કાર છે, એમ વિદ્યાભ્યાસ પૂર્ણ થતાં દીક્ષાંત સમારોહ એ પણ એક સંસ્કાર છે.
એમબીબીએસમાં અભ્યાસ કરતી રામચંદાણી તારિકાને ચાર ગોલ્ડ મેડલ
રામચંદાણી તારિકાએ જણાવ્યું હતું કે, એમ.બી.બી.એસ.ના સર્જરી વિષયમાં એકસાથે 04 ગોલ્ડ મેડલ મળવાથી ખૂબ ખુશ છું. જામનગરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ હાલમાં ઇન્ટર્ન તરીકે ફરજ નિભાવું છું. આગળ મારે સર્જિકલ બ્રાંચમાં જવાની ઈચ્છા છે. ઈએનટીમાં પણ જવાની ઈચ્છા છે.
પદવીદાન સમારોહમાં મેયર માટે બેઠક વ્યવસ્થા ન હોવાથી નયનાબેને ચાલતી પકડી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં રાજકોટ શહેરનાં પ્રથમ નાગરિક એવાં મેયર નયનાબેન પેઢડિયાને પણ આમંત્રિત કરાયાં હતાં, પરંતુ મેયર જ્યારે કાર્યક્રમમાં પહોંચ્યાં ત્યારે ત્યાં તેમના માટે કોઈ બેઠક વ્યવસ્થા ન હોવાના કારણે તેઓ ત્યાંથી નીકળી ગયાં હતાં. મેયરે કહ્યું હતું કે આ ગંભીર ભૂલ હોવાથી યુનિવર્સિટીના સત્તાધીશોએ આવી બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું હતું કે, પદવીદાન સમારોહમાં રાજ્યપાલના પ્રોટોકોલ મુજબ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.મેયર નયનાબેન પેઢડિયાએ આ અંગે જણાવ્યું હતું કે સમારોહમાં માટે મને એક સપ્તાહ પહેલાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ અંતર્ગત આજે હું સમારોહમાં હાજરી આપવા માટે ત્યાં પહોંચી હતી, પરંતુ ત્યાં મારા માટેની કોઈ બેઠક વ્યવસ્થા કરવામાં આવી નહોતી. એ જોઈને હું ત્યાંથી પરત આવી ગઈ હતી. આ દરમિયાન મને ત્યાં રજિસ્ટ્રારની ખાલી સીટ ઉપર બેસવા કહેવામાં આવ્યું હતું, પરંતુ મેયર તરીકે અન્ય કોઈની સીટ ઉપર બેસવું યોગ્ય નહીં હોવાથી હું ત્યાંથી ચાલી આવી હતી. જોકે આવું ઇરાદાપૂર્વક થયું હોય એવું મને લાગતું નથી, પરંતુ જેને બેઠક વ્યવસ્થા સોંપવામાં આવી હોય તેની આ ભૂલ થઇ હોય એવું લાગી રહ્યું છે.