- એકવાર દારૂના કેસમાં 3 લાખ આપ્યા બાદ વારંવાર પૈસાની માંગણી કરતા હોવાનો આક્ષેપ : વિડિયો બનાવી ખાંભા ગામે ગળાફાંસો ખાઈ લીધો
પોલીસના ત્રાસથી રાજકોટના એક યુવાને મોત વ્હાલું કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. અગાઉ એક વાર દારૂના કેસમાં 3 લાખ રૂપિયા આપ્યા બાદ વારંવાર પૈસાની માંગણી કરતા હોવાનો વિડીયો બનાવો યુવકે મૂળ ગામ ખાંભા ખાતે ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કરી લેતા ચકચાર મચ્યો છે.
વિરમગામના પીએસઆઈ હિતેન્દ્ર પટેલ વિરુદ્ધ રાજકોટમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા દિપક સુથાર નામના વ્યક્તિ દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો. જેણે આપઘાત કરતા પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. જેમાં દિપક સુથારને દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતકની પત્નીની ફરિયાદ આધારે વિરમગામ પોલીસ મથકના પીએસઆઇ વિરુદ્ધ આત્મહત્યાના દુસ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મૃતકની પત્નીએ પીએસઆઈ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારૂ નામ અલ્પાબેન દિપકભાઇ ધ્રાગધરીયા છે અને મારા પતિ દિપક હરજીવનભાઇ ધ્રાગધરીયા (ઉ.વ.43) સુથારી કામ કરતા હતા અને મારે સંતાનમાં એક દીકરો દર્શન (ઉ.વ.17) છે. જે ધોરણ 10માં અભ્યાસ કરે છે. ગઇ કાલ તા. 22.2.2024ના રોજ હું મારા પીયર ગજડી ગામે મારા ભાઈ કેતન પ્રવિણભાઇ તથા ભાભી સાથે ગઇ હતી અને મારા પતિ દિપક તથા મારો પુત્ર દર્શન બંને અમારા રાજકોટ ખાતેના ઘરે હતા.
મને મારા પતિનો રાત્રે 9.30 વાગ્યે ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તું નીરાતે આવજે ઉતાવડ ન કરતી. હું બહાર જમી લઇશ બાદ હું રાત્રિના 11 વાગ્યે રાજકોટ મારા ઘરે આવી હતી. ત્યારે મારા પતિ દિપક ઘરે હાજર ન હતા અને મેં રાતના 12 વાગ્યે મારા પતિને ફોન કરતા ઉપાડ્યો ન હતો. જેથી મેં રાત્રિના 1 વાગ્યે ફરી ફોન કરતા તે ફોન ઉપાડ્યો નહી. બાદ 1.45 વાગ્યે પણ ફોન કર્યો પરંતુ ફોન ન ઉપડતા હું અને મારો પુત્ર સુઇ ગયા હતા. ત્યારબાદ આજે સવારે 7.30 વાગ્યાની આસપાસ ફરીથી ફોન કરતા તેનો ફોન ઉપાડ્યો નહીં અને બાદ ટીવી પાસે જતા મારા પતિનો બીજો મોબાઇલ ઘરે જ પડ્યો હતો. જે મોબાઇલ ખોલી જોતા મોબાઇલમાં ઉપર એક મારા પતિએ વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો જોતા તેમાં મારા પતિએ રાજકોટ કમિશનર સાહેબને સંબોધીને વીડિયો ઉતાર્યો હતો.
વીડિયોમાં વિરમગામ રૂરલના પોલીસવાળા પટેલ સાહેબે આજથી ચારેક માસ પહેલાં મેં રાજસ્થાન વાળા પાસેથી એક દારુની એક પેટી લીધી હતી અને તે ક્યાંક પકડાણો હશે અને તેને મારું નામ લીધું તું અને જેને મારી ઉપર આઠ પેટીનો આરોપ નાખીને કેસ કર્યો હતો અને મારી પાસેથી 3 લાખ રૂપિયા લઇને મને જેલ હવાલે કર્યો અને ત્યાર પછી આ 14 તારીખે કોઇકનો દારૂ પકડાયો હશે અને તેમાં પણ ખોટી રીતે મારું નામ આપે છે અને 10 લાખ રૂપિયાની માંગણી કરે છે.
જે વિરમગામ રૂરલના પોલીસ વાળા પટેલ સાહેબના ત્રાસથી આત્મહત્યા કરતા હોવાનું જણાવતો હોય તેવો વીડિયો જોયો જેથી મેં તુરંત જ મારી જેઠાણી લીનાબેન પ્રવિણભાઈને ફોન કરી વાત કરી કે, દિપક કાલ મોડી રાતથી ફોન નથી ઉપાડતા.
હું મારા જેઠાણીના ઘરે ગઇ ત્યારે મારા જેઠ પ્રવિણભાઈ ઘરેથી નીકળતા હતા. તેમને મેં વાત કરી કે દિપક કાલ રાતના ફોન નથી ઉપાડતા. જેથી પ્રવિણભાઇએ કહ્યું કે તું ચિંતા ના કર હું જાવ જ છું. દિપક ક્યાંક બહાર ગયો હશે અને પછી મારા ભાઈ કેતનભાઇ મને તેડવા આવ્યા અને મને જણાવ્યું કે, દિપકભાઈએ ખાંભા ગામે મોગલ માતાના મંદિરે પોતાની મેળે ગળે ફાંસો ખાધો છે. અને તેની લાશ લોધીકા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમમાં રાખી છે. જેથી હું તથા કેતનભાઇ સરકારી હોસ્પિટલે આવતા મારા પતિ દિપકની લાશ ત્યાં પડી હતી અને ગળા પર ગળે ફાંસો ખાધેલનું નિશાન છે અને અહીં મારા જેઠ પ્રવિણભાઇ તથા યોગેશભાઇ તથા મારો ભાઈ હીતેષભાઈ એમ બધા અહીં સરકારી હોસ્પિટલ ખાતે હાજર હતા.
દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી
મારા જેઠ યોગેશભાઇ દ્વારા મને જાણવા મળ્યું કે, આ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનવાળા પટેલ સાહેબ છે. તેમનું નામ હિતેન્દ્ર પટેલ છે અને તેઓ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ છે. તો આ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ હિતેન્દ્ર પટેલએ મારા પતિ દિપકને દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરી મરી જવા મજબુર કરતા તેમના ત્રાસથી કંટાળી મારા પતિ દિપકે પોતાની મેળે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોય તેઓ સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે.
એકવાર ત્રણ લાખ આપ્યા બાદ રૂ. 10 લાખની માંગણી
વીડિયોમાં વિરમગામ રૂરલના પોલીસવાળા પટેલ સાહેબે આજથી ચારેક માસ પહેલાં મેં રાજસ્થાન વાળા પાસેથી એક દારુની એક પેટી લીધી હતી અને તે ક્યાંક પકડાણો હશે અને તેને મારું નામ લીધું તું અને જેને મારી ઉપર આઠ પેટીનો આરોપ નાખીને કેસ કર્યો હતો અને મારી પાસેથી 3 લાખ રૂપિયા લઇને મને જેલ હવાલે કર્યો અને ત્યાર પછી આ 14 તારીખે કોઇકનો દારૂ પકડાયો હશે અને તેમાં પણ ખોટી રીતે મારું નામ આપે છે અને 10 લાખ રૂપિયાની માંગણી કરે છે.