કુહાડી, ધારિયા, ભાલા અને લાકડીથી સામસામે ધિંગાણું: સાત ઘવાયા: છોડાવવા વચ્ચે પડેલા પોલીસમેન ઘવાયો: ચાર મહિલા સહિત નવ સામે નોંધાતો ગુનો
પોરબંદર નજીક આવેલા ઓડદર ગામે રામાપીરના મંડપનું આયોજન કરવાનું હોવાથી ખેતરમાં સાફ સફાઇના પ્રશ્ને બે પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા એકની હત્યા થયાની અને સાત ઘવાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ધિંગાણા દરમિયાન વચ્ચે પડી છોડાવવા જતા પોલીસમેન ઘવાયો હતો. પોલીસે ચાર મહિલા સહિત નવ સામે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઓડદર ગામે રહેતા હાજા રામા ઓડેદરા અને તેના કુટુંબી સાંગણ વજશી ઓડેદરા વચ્ચે જુની અદાવત ચાલે છે. દરમિયાન સતી આઇના મંદિર પાસે રામાપીરના મંડપનું આયોજન કરવા માટે હાજા રામા ઓડેદરાનો પરિવાર ખેતરમાં વાહન પાર્કીંગ થઇ શકે તે માટે સાફ સફાઇ કરી રહ્યા હતા ત્યારે સાંગણ વજશીએ રામાપીરના મંડપનું આયોજન નથી કરવાનું કહી સાફ સફાઇ કરતા અટકાવતા બંને વચ્ચે થઇ હતી.
સાંગણ વજશી, વેજા વજશી, રામદેવ વેજા, દેવશી સાંગણ, હમીર અરશી, મણીબેન સાંગણ, ચેતનાબેન દેવશી, લીલુબેન રામા અને જેઠીબેન વેજા સહિતના શખ્સોએ ભાલા, કુહાડી, ધારિયા અને લાકડીથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા જેસલ હાજા નામના ૧૭ વર્ષના યુવાનનું મોત નીપજ્યું હતું. રામા હાજા અને તેના પિતા હાજા ઓડેદરા ઘવાતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે સામા પક્ષે સાંગણ સાંગણ વજશી, વેજા વજશી, રામદે વેજા અને દેવશી સાંગણ ઘવાયા હતા.
સશસ્ત્ર અથડામણ દરમિયાન ત્યાંથી પસાર થતા પોલીસમેન છોડાવવા વચ્ચે પડતા તેના માથામાં કુહાડી લાગી હતી. પોલીસે બાબર હાજા ઓડેદરાની ફરિયાદ પરથી ચાર મહિલા સહિત નવ સામે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી પી.આઇ. એસ.એલ.આહિરે તપાસ હાથધરી છે.