સુરેન્દ્રનગરના અજરામર ટાવર ચોક વિસ્તારમાં લગ્ન પ્રસંગે યોજાયેલા દાંડીયા રાસમાં ગીત વગાડવાના પ્રશ્ર્ને થયેલી બોલાચાલીના કારણે પાંચ શખ્સોએ છરીથી હુમલો કરી મીયાણાવાસના યુવકની કરપીણ હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે. હુમલા દરમિયાન મૃતકને બચાવવા વચ્ચે પડેલા તેના બે ભાઇને પણ પાંચેય શખ્સોએ છરીના ઘા ઝીંકી દેતા બંને ભાઇઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 200થી વધુ વ્યક્તિઓની નજર સામે પાંચેય શખ્સોએ છરીના ઘા ઝીંકી મુસ્લિમ યુવકનું ઢીમઢાળી દેતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે પાંચેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ત્રણને ઝડપી લીધા છે. હત્યા કરી ભાગી છુટેલા બે શખ્સોને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
200થી વધુ વ્યક્તિઓની નજર સામે પાંચ શખ્સોએ છરીથી હુમલો કરી ઢીમ ઢાળી દીધું: ત્રણ ઝડપાયા: બે ફરાર
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરન્દ્રનગરના મીયાણાવાસ શેરી નંબર 3માં રહેતા અશરફભઆઇ અબ્બાસભાઇ ભટી પોતાના નાના ભાઇ આબીર અને યાસીન સાથે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ટાવર ચોક ખાતે ગયા હતા ત્યાં દાંડીયા રાસ ચાલી રહ્યા હતા. ત્યારે ડી.જે.માં ગીત વગાડવાના પ્રશ્ર્ને અશરફ ભટ્ટી અને રમજુ દાઉદ મોવર વચ્ચે બોલાચાલી થઇ હતી.
બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થતા રમજુ દાઉદ, જુજા જુમ્મા મોવર, મુરાદ રહેમાન, આમીન રહેમાન અને મોહમદ ઉસ્માન નામના શખ્સોએ છરીથી અશરફ ભટ્ટી પર હુમલો કર્યો હતો. પોતાના ભાઇને બચાવવા આબીર અને યાસીન વચ્ચે પડતા તેને પણ પાંચેય શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા હતા. 200થી વધુ વ્યક્તિઓ દાંડીયા રાસ રમી રહ્યા હતા ત્યારે થયેલા હુમલાથી નાસભાગ મચી ગઇ હતી. ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય ભાઇઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં અશરફ ભટ્ટીનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ છે.પોલીસે આબીદ અબ્બાસ ભટ્ટીની ફરિયાદ પરથી રમજુ મોવર સહિત પાંચેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ત્રણને ઝડપી લીધા છે. હત્યા કરી ભાગી છુટેલા બે શખ્સોની પોલીસે શોધખોળ હાથધરી છે.
માનવતા નેવે મુકાઈ: ઇજાગ્રસ્ત યુવકને બાઇક પર નાખી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો અને રસ્તામાં જ મોત નિપજયું
માનવતા જાણે નેવે મુકાયું હોય તેવું લાગી રહ્યું છે દાંડિયા રાસમાં અંદાજિત 200 થી 300 લોકો હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે હત્યાનો બનાવ બન્યો યુવક ગંભીર રીતે ઘાયલ થયો ત્યારે ત્યાં તે મોત સામે જિંદગીની આજીજી કરી રહ્યો હોય તેવા દ્રશ્યો ઊભા થયા હતા ત્યારે અન્ય કેટલાક યુવકો દ્વારા આ ઇજાગ્રસ્ત યુવકને બાઈક ઉપર બેસાડી અને ગંભીર હાલતમાં ગાંધી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતો હતો તે દરમિયાન રાજ હોટલ નજીક પહોંચ્યા ત્યાં યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો. હવે આ 200 થી 300 લોકો જુઓ યોગ્ય સમયે ઘટના બની અને સારવાર માટે લઈ ગયા હોત તો આ યુવકની જિંદગી બચી શકે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.