પોતાની પત્ની સાથે વાત કરતી વેળાએ ફોનમાં મશગુલ થયેલા યુવાન નીચે પડતા સર્જાઈ કરુણાંતિકા
શહેરના સાધુ વાસવાણી રોડ પાસે ગોપાલ ચોક નજીક ભાડાના મકાનમાં રહેતો પરપ્રાંતીય યુવાન રાત્રીના અગાસી પર પત્ની સાથે ફોન પર વાત કરતો હતો. તે દરમિયાન કોઈ કારણોસર તેણે સંતુલન ગુમાવતા તે નીચે પટકાયો હતો. જેમાં ગંભીર ઈજા થતાં સબબ યુવાનનું મોત થયું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને રાજકોટમાં ગોપાલ ચોક પાસે ભાડાના મકાનમાં રહેતો રામઆંચલ લેખરાજ રાજભર(ઉ.વ.૪૨) નામનો યુવાન રાત્રિના અગાસી પર પત્ની સાથે ફોનમાં વાત કરતો હતો. યુવાન વાતોમાં મશગુલ થયા બાદ તેણે સંતુલન ગુમાવતા તે અગાસી પરથી નીચે પટકાયો હતો. જેથી તેને માથાનાભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે યુવાનનું મોત થયું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મૂળ યુપીનો વતની હતો અને રાજકોટમાં રહી કલરકામ કરતો હતો. તે બે ભાઈ પાંચ બહેનના પરિવારમાં વચેટ હતો યુવાનને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે અન્ય એક બનાવમાં શહેરના માંડા ડુંગર વિસ્તારમાં શેરી નંબર-૧૩માં રહેતો મુન્ના છેલાભાઈ સિંધવ (ઉ.વ.૩૬) નામનો યુવાન ઘર નજીક ઠાકર મંદિર પાસે ઘોડા પર ચડી મંડપની ખીલી લગાવતો હતો. ત્યારે તે સંતુલન ગુમાવતા નીચે પટકાયો હતો. દરમિયાન નીચે પડેલી કોસ તેને પડખાના ભાગે લાગી જતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.