પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ ભાંડો ફૂટયો

કચ્છના મુન્દ્રામાં યુવાને સાળાના લગ્નમાં એશો આરામ કરવા માટે ગ્રાહકોના ૪.૨૭ લાખના નાણાંની લૂંટનું તરકટ રચીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસની પ્રાથમિક પૂછતાછમાં જ તેનો ભાંડો ફૂટી ગયો છે.પોલીસને લૂંટની ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાના પ્રયાસ બદલ તેની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મુંદરામાં ઝીરો પોઈન્ટ ખાતે સત્યમ મની ટ્રાન્સફરના નામે કમિશનથી નાણાં વિનિમયનો વ્યવસાય કરતો મૂળ બિહારનો વતની એવો સંદિપકુમાર શંભુનાથસિંગ રાજપૂત ૩૪ વર્ષિય યુવક ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં ત્રણ શખ્સો આંખમાં મરચું નાખી ૪.૨૭ લાખની રોકડ ભરેલો થેલો લૂંટીને નાસી ગયાં હોવાની ફરિયાદ સાથે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયો હતો.

બનાવ અંગે વિગત મળતાં જ મુંદરા પોલીસ તુરંત હોસ્પિટલ દોડી ગઈ હતી. સંદિપે પોલીસને જણાવ્યું કે, પોતે નાણાં ભરેલો થેલો લઈ મોટર સાયકલ પર ઑફિસથી ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં નદીના પટમાં એક કાળું ટી શર્ટ પહેરેલાં યુવકે તેની બાઈક અટકાવી તેની આંખમાં મરચાંની ભુકી છાંટી હતી. તે સમયે બીજા બે અજાણ્યા યુવકો મોટર સાયકલ પર ત્યાં ધસી આવ્યા હતા અને ત્રણેય જણાં ૪.૨૭ લાખની રોકડ ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે જાણ થતાં જ પોલીસે તુરંત કંટ્રોલ મેસેજ પાસ કરાવી ઠેર ઠેર નાકાબંધી કરાવી દીધી હતી.

ભુજના ઉુજઙ જે.એન.પંચાલ અને જઘૠ-કઈઇ જેવી મહત્વની બ્રાન્ચ એક્ટિવ થઈ ગઈ હતી. મુંદરા પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતાં ત્યાંથી ખાલી થેલો અને ન્યૂટ્રલ પોઝીશનમાં સ્ટેન્ડ કરાયેલું યુવકનું બાઈક મળી આવ્યું હતું. પોલીસે ઘટના અંગે વિસ્તૃત માહિતી મેળવવા સંદિપની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરતાં તેની વાતોમાં વિરોધાભાસ જોવા મળતો હતો. જેથી પોલીસે સઘન પૂછતાછ હાથ ધરતાં છેવટે સંદિપ ભાંગી પડ્યો હતો અને પોતે લૂંટનું તરકટ રચ્યું હોવાનું કબૂલી લીધું હતું.

સાળાના લગ્નમાં વાપરવા માટે નાણાં ના હોઈ સંદિપે ગ્રાહકોના નાણાં હજમ કરી જવા આ તરકટ રચ્યું હતું.સતર્ક પોલીસે તેનો ભાંડો ગણતરીના કલાકોમાં જ ફોડી નાખી લૂંટની ખોટી ફરિયાદ નોંધવાના બદલે પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાના પ્રયાસ બદલ તેની વિરુધ્ધ ગુનો નોંધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.