રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા રામાપીર ચોકડી પાસે રહેલી સવારે લક્ઝરિયસ કારના ચાલેકે બાઈકને અડફેટે લેતા યુવાન ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈ જમીન પર પટકાતા તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માધાપર ચોકડી પાસે રહેતા મયુરભાઈ તુલસીભાઈ તન્ના (ઉ.વ.૩૨) નામનો યુવાન પોતાના બાઈક પર વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ પોતાના ઘરે જતો હતો ત્યારે રામાપીર ચોકડી પાસે જીજે ૦૩ એમબી ૦૦૪૩ નંબરની બ્લેક કલરની મર્સિડીઝ કારે પાછળથી ઠોકર મારતા યુવક ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયો હતો. જેને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.
આ અંગે ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ જે.જી.જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મયુરભાઈ તન્ના સેલ્સમેનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા કારના ચાલકની શોધખોળ હાથ ધરી છે.