સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની સ્પર્ધાઓ યોજવામાં આવશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તા.૬ થી ૮ ઓકટોમ્બર એમ ત્રણ દિવસનો યુવક મહોત્સવ યોજાનાર છે જેમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખાસ ઉપસ્થિતિ રહેશે અને આ પ્રસંગે અન્ય મહાનુભાવો પણ હાજર રહેશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યુવક મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડ ખાતે યુથ ફેસ્ટીવલ યોજાનાર છે. જેમાં સાહિત્ય કલા અને સાંસ્કૃતિક વિભાગની જુદી જુદી સ્પર્ધાઓ યોજવામાં આવશે. યુવક મહોત્સવમાં કુલ ૩૩ ઈવેન્ટ યોજવામાં આવશે જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય આવનારને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે.
બોર્ડ ઓફ કલ્ચર એક્ટિવીટીઝના નિર્ણય મુજબ આ યુવક મહોત્વની સ્પર્ધા અને એન્ટ્રી ફી રૂ.૫૦૦ નકકી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના ૨૫ સપ્ટેમ્બર સુધી આ ફોર્મ મળી રહેશે તેમજ એન્ટ્રી ફી રૂ.૫૦૦ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિભાગમાં ભરી શારીરિક શિક્ષણ વિભાગમાંથી ફોર્મ મેળવવાનું રહેશે. સાથો સાથ કોલેજનો ફોર્વડીંગ લેટર સાથે લાવવાનો રહેશે.
એન્ટ્રી ફોર્મ સંપૂર્ણ રીતે ભરીને ૨૫ સપ્ટેમ્બર સુધીમાં શારીરિક શિક્ષણ વિભાગમાં જમા કરાવી દેવાનું રહેશે અને તારીખ વિત્યા બાદ કોઈપણ સંજોગોમાં એન્ટ્રી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં જેની દરેક વિદ્યાર્થીઓ નોંધ લે તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.