નેપાળી મિત્રો હોટલમાંથી છૂટી એક્ટિવા રોંગ સાઇડમાં નાગેશ્વર તરફ જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો ગોઝારો અકસ્માત
ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો : ગાંધીગ્રામ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી
રાજકોટ-જામનગર હાઇ-વે કાળ મુખો બનતો જાય થયો છે ત્યારે રાજકોટમાં ફરી હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો છે. જેમાં ગઈકાલ રાતે બનેલા બનાવમાં જામનગર રોડ પર આવેલ ઘંટેશ્વરપાર્ક હોટલમાંથી બહાર નીકળી રહેલ એક્ટિવામાં સવાર બે નેપાળી યુવાનને પુરપાટ ઝડપે આવી રહેલ સ્કોર્પિયો ચાલકે હડફેટે લેતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાનને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્કોર્પિયો ના કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, જામનગર રોડ પર આવેલ ઘંટેશ્વરપાર્ક હોટલમાં કામ કરતાં અને નાગેશ્વર વિસ્તારમાં રૂમ રાખી રહેતાં સુરજસિંહ લાલસિંહ દાસ (ઉ.વ.30) અને તેનો મિત્ર કમલ મનોજ થાપા (ઉ.વ.28) તેઓ બંને હોટેલમાં રયોસા તરીકે કામ કરતાં હતાં અને બંને ગઈકાલે સાંજે ઘંટેશ્વરપાર્ક હોટલમાં કામ પર ગયાં બાદ રાતના 11 વાગ્યાની આસપાસ કામ પરથી રૂમ પર બંને મિત્રો એક્ટિવા નં. જીજે-03-સીએફ-6438 માં પરત ફરી રહ્યા હતાં ત્યારે હોટેલની બહાર નીકળતાં જ હાઇ-વે પર પુરપ8ઝડપે આવેલ સ્કોર્પિયો કાર નં.જીજે-03-એમએલ-8245 ના ચાલકે એક્ટિવાને હડફેટે લેતાં બંને યુવકો રોડ પર ફંગોળાયા હતાં. જેમાં એક્ટિવા ચાલક સુરજસિંહ થાપાને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક સવાર કમલ થાપાને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ સ્થળે એકઠાં થયેલ લોકોએ 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે સુરજસિંહને તપાસી મૃત જાહેર કર્યો હતો જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ વિ. એચ.પરમાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી મૃતકના બનેવી સંતોષ રમેશભાઈ પરિયારની ફરિયાદ પરથી અકસ્માત સર્જનાર અજાણ્યાં સ્કોર્પિયો ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.ત્યારે વધુમાં નેપાળી યુવકો બે વર્ષથી રાજકોટમાં રહેતાં અને બંને યુવાનો હોટલમાં રસોયા તરીકે કામ કરતા હતાં. જ્યારે મૃતક સુરજસિંહ ત્રણ બહેનોનો એક નો એક ભાઈ હતો તેમજ તે પરિણિત હતો.