- મારમારી મોતને ઘાટ ઉતાર્યાના આરોપ બાદ સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ ઘટના સામે ન આવી : ફોરેન્સીક પી.એમ. કરાવાયું
રાજકોટ શહેરના રામનાથપરા વિસ્તારમાં ત્રણ દિવસ પૂર્વે બે બાઈક અથડાતા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકની સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. અકસ્માત સર્જનાર ત્રિપલ સવારી બાઈક સવારોએ માર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ સાથે પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકમાં દોડધામ મચી જવા પામે છે. આક્ષેપના પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોઈ શંકાસ્પદ ઘટના સામે આવી ન હતીં. તેમ છતાં પોલીસે આક્ષેપના પગલે યુવકના મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે ખસેડાયો છે. વધુ વિગત મુજબ રામનાથપરામાં આવેલા ભવાની નગરમાં રહેતા કલ્પેશભાઈ દેવજીભાઈ બાંભણિયા (ઉ.વ.28), અને સોમનાથ બંગાળી (ઉ.વ.35) તેમજ મોરબી રોડ ઉપર રહેતો ધવલ કિશોરભાઈ સરવૈયા (ઉ.વ.30) ગત તા. 6 ના રોજ રાત્રીના 11 વાગ્યાના અરસામાં રામનાથપરા સ્મશાન પાસે આવેલા પુલ ઉપરથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પુછપરછ દરમિયાન કલ્પેશ બાંભણિયા અને ધવલ સરૈયાને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. સારવાર દરમિયાન કલ્પેશભાઈ બાંભણિયાનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક યુવકના પરિવારજનોએ અકસ્માત સર્જનાર ધવલ સરૈયા સહિત બે લોકો ત્રિપલ સવારી બાઈકમાં આવી અકસ્માત સર્જી કલ્પેશ બાંભણિયાને માર મારતા મોત નિપજ્યું હોવાનું આક્ષેપ કર્યો હતો. આક્ષેપના પગલે બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોઈ શંકાસ્પદ ઘટના સામે આવી ન હતીં. પરંતુ મૃતક યુવકના પરિવારોએ કરેલા હત્યાના આક્ષેપ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા પી.એસ.આઇ વીએસ પરમાર સહિતનો કાફલો હોસ્પિટલે દોડી જય પોલીસે તપાસની ખાતરી આપી પોલીસ યુવકના મોતનું કારણ જાણવા મૃતદેહ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોસ્ટમોટર્મ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મોતનું કારણ જાણવા મળશે. તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.