ધારાસભ્યને ગુમ કરનાર શખ્સ કોઈ અન્ય નહીં ખુદ કોંગ્રેસના જ ધ્રાંગધ્રા શહેર યુથ પ્રમુખ
ધ્રાંગધ્રા-હળવદનું રાજકારણ હરહંમેશ અટપટુ રહ્યું છે ત્યારે પાંચ વર્ષ અગાઉ ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ કવાડિયા ગુમ થયાના પોસ્ટરો શહેરના કેટલાક સામાજીક કાર્યકરોએ લગાવ્યા હતા તેવામાં છેલ્લા બે દિવસથી ફરી તેજ મુદ્દે રાજકારણમાં ગરમાવો ફેલાયો છે. ધારાસભ્ય ગુમ થયાની બાબત તેની તેજ છે પરંતુ આ વખતે ધારાસભ્ય ભાજપના નહી પરંતુ કોંગ્રેસના છે અને ધારાસભ્યને ગુમ કરનાર શખ્સ પણ કોઈ બીજુ નહીં ખુદ કોંગ્રેસના જ ધ્રાંગધ્રા શહેર યુથ પ્રમુખ છે ત્યારે આ બાબતે વિસ્તારપૂર્વક જાણીએ તો બે દિવસ અગાઉ ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા ગુમ થયા હોવાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ પોસ્ટ વાયરલ થતા કોંગ્રેસના કેટલાક હોદેદારો અને કાર્યકરોમાં ધારાસભ્ય વિરુઘ્ધ અસંતોષ જોવા મળ્યો હતો.
જોકે પોસ્ટ વાયરલ થયાના કલાકો બાદ એક એવી પણ વાત વહેતી થઈ હતી કે જે યુથ કોંગ્રેસના પ્રમુખે આ પોસ્ટ વાયરલ કરી હતી. તેઓના સાથે ધારાસભ્ય પરસોતમ સાબરીયાને સમાધાન થઈ ગયું હતું પરંતુ પોસ્ટ વાયરલ થયાના બીજા જ દિવસે ફરીથી આ યુથ કોંગ્રેસના પ્રમુખે એક વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં પોતે જ પોસ્ટ વાયરલ કરી હોવાની વાત અને આગામી સમયમાં તેઓના મુદા તથા ધારાસભ્યે પોતે દિધેલા વચનો પૂર્ણ નહીં કરે તો પુતળા દહનની ચીમકી ઉચ્ચારતા રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો. જયારે ધારાસભ્યના પુતળા દહનની ચિમકીનો વિડીયો વાયરલ થતા જ આજે સવારે ધ્રાંગધ્રા યુથ કોંગ્રેસના પ્રમુખ સનીભાઈ વાઘેલાને સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ મનુભાઈ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. જોકે હજુ સુધી કોંગ્રેસના યુથ પ્રમુખનો સસ્પેન્ડ લેટર જાહેર નથી કરાયો પરંતુ કોંગ્રેસ જીલ્લા પ્રમુખ મનુભાઈ પટેલ દ્વારા સસ્પેન્ડ કરાયાની વાત બહાર પાડી હતી.
આ બાબતે ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા દ્વારા જણાવાયું હતું કે, પક્ષ વિરોધનું કામ કરાયું હોવાથી તેઓ દ્વારા દરેક બાબતની જાણ ઉપર લેવલે કરવી જરૂરી છે. જેથી જે પણ નિર્ણય લેવાશે પક્ષના હિતમાં અને જીલ્લા તથા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા જ લેવાશે. ધ્રાંગધ્રા યુથ કોંગ્રેસના પ્રમુખ સની વાઘેલા દ્વારા જણાવાયું હતું કે, તેઓ ધારાસભ્યે આપેલા ૩ વચનોને પૂર્ણ નહીં કરતા આંદોલન શરૂ કર્યું હતું અને હજુ પણ તેઓ આંદોલન યથાવત રાખશે તથા જે કોંગ્રેસ પક્ષના નેતાઓને સારું લાગ્યું તે કર્યું સાથે જણાવ્યું હતું કે, જીલ્લા પ્રમુખ મનુભાઈ પટેલ દ્વારા તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયાની નોટીસ હજુ સુધી તેઓને મળી નથી પરંતુ મારી પાસે એક લેઈટર પેઈડ આવ્યો છે. જેમાં ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ પક્ષના પ્રમુખ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉચ્ચ નેતાઓને પક્ષ વિરુઘ્ધ કાર્ય બદલ સની વાઘેલાને સસ્પેન્ડ કરવાની ભલામણ કરતો આ પત્ર છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com