કટકી મામલે ઈન્ચાર્જ કુલપતિને આવેદન અપાયું
રાજકોટ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેડિકલ વિભાગમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ સાથે આજે કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કુલપતિથી લઈ તમામ લોકો ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અને ટુંક સમયમાં સમસ્યાનું નિરાકરણ નહી કરવામાં આવે તો જલદ કાર્યક્રમ આપવાની ચીમકી પણ યુથ કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ.ના સભ્યોએ આપી હતી અને રામધુન બોલાવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ વિદેશ ગયા હોય શનિવાર સુધીનો ચાર્જ ઈંગ્લીશ ફેકલ્ટીના ડીન ડો.કમલ પારેખને સોંપ્યો છે. મેડિકલની પરિક્ષામાં વિશ્ર્વનીયતા રહી નથી. તેમજ યુ.જી અને પીજી પરીક્ષાના મુલ્યાંકનમાં અનેક નિયમો નેવે મુકી દેવામાં આવે છે. મેડિકલની પરિક્ષામાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની નીટની પરીક્ષામાં ગોટાળો કરે છે જેવા અનેક મુદ્દે આજે કુલપતિને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
પુન: મુલ્યાંકનમાં મેડિકલ સાયન્સમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ આશ્ર્ચર્યજનક રીતે પાસ થઈ જાય છે. આમાં કેટલાક મેડિકલ ફેકલ્ટીના લોકોની ભૂમિકા શંકાસ્પદ જણાય છે. મેડિકલ પરીક્ષામાં મોટી રકમનો તોડ કરી પાસ કરી દેવામાં આવે છે. જે બાબતે તપાસ તેમજ એમ.સી.આઈ.ના નિયમોનું પાલન થતું નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેડિકલ માફીયાઓના દબાણ હેઠળ લાગતા વળગતાને કામ સોંપાય છે માટે લાયક અને તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ ન્યાયીક પરિણામ મળતા નથી. અન્ય લાગવગીયા ફાવી જાય છે. મેડિકલ ફેકલ્ટીમાં સારા તજજ્ઞને કામગીરીથી બાકાત રાખવામાં આવે છે.
યુથ કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ.ની માંગણી કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૦૧૪ થી ૨૦૧૭ સુધીમાં કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી, કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા, કેટલા વિદ્યાર્થીઓએ પુન:મુલ્યાંકન કરાવ્યું અને કેટલા વિદ્યાર્થીઓ પુન:મુલ્યાંકનમાં પાસ થયા તેનો હિસાબ આપવાની માંગ કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના કાળથી આજ દિવસ સુધી કયારેય ન થયો હોય તેવો ભ્રષ્ટાચાર આ વાઈસ ચાન્સેલરના કાર્યકાળમાં થયો છે. અધ્યાપકોથી લઈને પટાવાળા સુધી તેમજ વિદ્યાર્થીઓથી લઈ વાલી સુધી તમામ લોકો આ ભ્રષ્ટાચારના શાસનથી ત્રસ્ત છે. તેવા યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા. વિદ્યાર્થીઓના હિત માટે પૂર્વ વાઈસ ચાન્સેલર કનુભાઈ માવાણીએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી કરોડો ‚પિયા વિદ્યાર્થીઓના હિત માટે ભેગા કરેલા હતા. તેનો અત્યારના શાસકો અને શિક્ષણ જગતના શિક્ષણ માફીયાઓ વિદ્યાર્થીઓના પૈસાને છડે ચોક ઉડાડી રહ્યા છે. છેલ્લા વર્ષોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની છે. ગેરકાયદેસર નિતિમતા, નૈતિકતા અને પ્રામાણિકતા વગરનું તમામ કામ આ યુનિવર્સિટીમાં થાય છે. સમગ્ર સૌરાષ્ટ્રના શિક્ષણ જગતના તારલાઓ આ ભ્રષ્ટાચારી નાગ સામે શાંત થઈ ગયેલા હોય અને તેમના નિશાશા વિદ્યાર્થી આગેવાનોને સંભળાતા આ રજુઆત કરેલી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભ્રષ્ટાચાર બાબતે રાજકોટના વતની અને ગુજરાતના મુખ્યમંત્રી કેમ શિક્ષણના ભ્રષ્ટાચાર અંગે ચુપ છે ? મેડીકલ ફેકલ્ટીના ભ્રષ્ટાચારને અત્યારના હાલના ઈન્ચાર્જ કુલપતિએ પણ મેડીકલ ફેકલ્ટીના તજજ્ઞ હોય એ માટે વાઈસ ચાન્સેલરને અમે મેડીકલ બાબતે જે અમારી માંગ છે તેનું ૮ દિવસમાં યોગ્ય પરિણામ નહીં આવે તો શહીદ ભગતસિંહના માર્ગે યુથ કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ.ને આંદોલન કરવા મજબુર કરશો જે આંદોલન થશે તેના જવાબદાર હાલના ઈનચાર્જ કુલપતિ રહેશે અને અમને આશા છે કે, જેમ નાયક પિકચરની અંદર નાયકની ભૂમિકા ભજવી હતી એવી જ રીતે આપ પણ યુનિવર્સિટીની નાયકની ભૂમિકા ભજવી ભ્રષ્ટાચાર દુર કરો તેવી માંગણી કરી છે.
આ રજુઆતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને યુથ કોંગ્રેસના અગ્રણી ડો.રાજદીપસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહિલ તેમજ મુકુંદ ટાંક, જયકિશનસિંહ ઝાલા, નીતીન ભંડેરી, નરેન્દ્ર સોલંકી, હરપાલસિંહ જાડેજા, ઋતુરાજસિંહ રાણા, અમિત પટેલ, ભરત ડાંગર, દીપ ચોવટીયા, હર્ષદીપસિંહ જાડેજા, સોહીલ જરીયા, નીલરાજ ખાચર, કેતન જરીયા, ગોપાલભાઈ બોરાણા, મોહનભાઈ સિંધવ, શરદ તલસાણીયા, ગુલાબમોઈનુદીન નવાબ, કુલદિપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, કરણ લાવડીયા, જયરાજસિંહ જાડેજા, ચેતનભાઈ મંડ, વિશુભા જાડેજા, મયુરસિંહ પરમાર, રાજુભાઈ ચાવડા, સમીર ફળદુ વિગેરે યુથ કોંગ્રેસ એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો હાજર રહ્યા હતા.