નવા થોરાળામાં બીમારીથી કંટાળી વૃદ્ધે જીવન ટૂંકાવ્યું: પરિવારમાં કલ્પાંત
શહેરમાં જુદા જુદા બે સ્થળોએ આપઘાતના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં બજરંગ વાડીમાં યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવારમાં દમ તોડતા પરિવારમાં માતમ છવાયો છે. જ્યારે નવા થોરાળા વિસ્તારમાં વૃદ્ધે બીમારીથી કંટાળી જીવન ટુકાવ્યાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જામનગર રોડ પર આવેલા બજરંગવાડી વિસ્તારમાં રાજીવનગરમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હિદાયતભાઈ ઇબ્રાહીમભાઇ ડોડીયા નામના 35 વર્ષના યુવાને એક સપ્તાહ પેલા પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેને આજરોજ વહેલી સવારે સારવારમાં દમ તોડતા પરિવારમાં માતમ છવાયો છે.
આ અંગે ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક હિદાયતભાઈ ડોડીયા બે ભાઇમાં નાના હોવાનુ અને કુંવારા હોવાનુ જાણવા મળ્યુ છે.
પોલીસે ઘટનાની નોંધ કરી આપઘાત પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથધરી છે.
તો અન્ય બનાવમાં નવા થોરાળા વિસ્તારમાં આરાધના સોસાયટીમાં રહેતા ઇન્દ્રવદન ધનજીભાઈ પરમાર નામના 60 વર્ષના વૃદ્ધે એક સપ્તાહ પહેલા ઘર પાસે જ એસિડ ગટગટાવી લેતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ સારવારમાં દમ તોડયો હતો.
આ ઘટના અંગે જાણ થતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ઇન્દ્રવદન છેલ્લા નવ વર્ષથી બીમાર હોવાથી બીમારીના કારણે કંટાળી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.