વિસાવદર: નાના કોટડા ગામના યુવાને ઓનલાઇન મિત્રત્રામાં રૂ. 17.68 લાખ ગુમાવ્યા
ફેસબુક મારફતે સંબંધ કેળવી દવાના વેચાણમાં વધુ નફાની લાલચમાં ઠગ ભટકાયો
ફેસબુકમાં મિત્રતા કેળવીને દવાના વેચાણમાં નફો કમાવવાની લાલચ આપી, વિસાવદરના નાના કોટડા ગામના યુવક સાથે રૂ. 17.68 લાખની છેતરપિંડી, વિશ્વાસઘાત થયો હોવાની જુનાગઢ સાયબર સેલમાં ફરિયાદ થવા પામી છે.
સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદ મુજબ વિસાવદરના નાના કોટડા ગામે ઇન્દિરા આવાસ સોસાયટીમાં રહેતા પ્રવીણ નાજાભાઇ સાગઠીયા સાથે ડો. કિસ્ટેબલ જેમ્સ નામના શખ્સે સોશિયલ મીડિયા ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડશીપ કરી હતી. અને બાદમાં વોટસએપ મેસેજ અને ફોનમાં અનેક વખત વાત કરી પ્રવિણને મોટા પ્રમાણમાં નફો કમાવવાની લાલચ આપી, બિઝનેસમાં જોડાઈ જવા જણાવ્યું હતું.
આ સાથે પ્રવીણ સાથે શર્મા ઇન્ડસ્ટ્રીઝ નવી મુંબઈના ડોક્ટર સુનીતા શર્મા, ડો. માર્ટિન જી એડવર્ડ ફાર્મા સ્યુટિકલ ગ્રુપ, ડો. વિલિયમ્સ નવી દિલ્હી સાથે આ શખ્સે મેળાપ કરાવ્યો હતો. અને વધુ નફો કમાવવાની લાલચ આપી પંડા ડંગ સીડ્સ નામની દવાના પેકેટનું વેચાણ કરવા જણાવી કોટડા ગામના યુવકને લલચાવી અત્યાર સુધીમાં સમયાંતરે રૂ. 17.68 લાખનું ઓનલાઈન ટ્રાન્સફર કરાવી, બાદમાં છેતરપિંડી, વિશ્વાસઘાત કરતા કોટડાના પ્રવીણ નાજાભાઇ સાગઠીયાએ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.