વધુ મતદાન માટે તંત્ર અને રાજકીય પક્ષો પ્રયત્નશીલ, છતાં શહેરોમાં જ ઓછા મતદાનની ભીતિ: હિમાચલ પ્રદેશમાં પણ શહેરોનું મતદાન ઓછું નીકળતા ગુજરાતમાં ચિંતા વધી

વિધાનસભા જંગમાં તંત્ર વધુમાં વધુ મતદાન માટે લોકોને પ્રેરી રહ્યું છે. પણ ગ્રામીણ વિસ્તારોની સાપેક્ષે શહેરી અને યુવા મતદારોમાં મતદાન પ્રત્યે ઉદાસીનતા દેખાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જેને પગલે ભાજપને નુકસાન થાય તેવા પણ અણસારો નિષ્ણાંતોએ વ્યક્ત કર્યા છે. ગુજરાતમાં વિધાનસભા જંગનો માહોલ જામ્યો છે નવધુ મતદાન માટે તંત્ર અને રાજકીય પક્ષો સતત પ્રયત્નશીલ છે. આ માટે મતદાન જાગૃતિના કાર્યક્રમો પણ ચલાવવામાં આવી રહ્યા છે છતાં શહેરોમાં જ ઓછા મતદાનની ભીતિ સેવાઈ રહી છે હિમાચલ પ્રદેશમાં પણ શહેરોનું મતદાન ઓછું નીકળતા ગુજરાતમાં ચિંતા વધી છે.બીજી તરફ યુવા અને શહેરી મતદારોની મતદાન પ્રત્યેની ઉદાસીનતા ભાજપ માટે ચિંતાનો વિષય હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

12 નવેમ્બરની વિધાનસભાની ચૂંટણી દરમિયાન હિમાચલ પ્રદેશમાં રેકોર્ડ 75.6 ટકા મતદાન નોંધાયું હોવા છતાં, શહેરી મતદારોની ઉદાસીનતા જોવા મળી હતી, શિમલામાં 62.53 ટકા મતદાન નોંધાયું જે રાજ્યમાં સૌથી ઓછું હોવાની સાથે 2017ની ચૂંટણીની સરખામણીમાં 1.4 ટકા ઘટ્યું છે, 75.6 ટકા મતદાન રાજ્યનું અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન હોવા છતાં, શહેરી વિસ્તારોમાં મતદારોની મતદાન પ્રત્યેની ઉદાસીનતા ઉડીને આંખે વળગી છે. વધુમાં, મહત્વના શહેરી વિસ્તારોમાં સરેરાશ મતદાન ગ્રામીણ મતવિસ્તારના મતદાન કરતાં લગભગ આઠ ટકા જેટલું ઓછું હતું.પદાધિકારીઓએ કહ્યું કે જો આ વખતે શિમલા, સોલન, કસુમ્પ્ટી અને ધર્મશાલાના અમુક વિભાગોના મતદારો ઉત્સાહ જાળવ્યો હોત તો રેકોર્ડ મતદાનની ટકાવારી ઘણી વધી શકી હોત. ડેટા દર્શાવે છે કે સ્ત્રી મતદારોનું મતદાન પુરૂષ મતદારો કરતાં લગભગ 4.5 ટકા વધુ હતું અને એકંદર મતદાનની ટકાવારી કરતાં લગભગ બે ટકા વધુ હતું.

ગ્રામ્યમાં અગવડતા છતાં પણ વધુ મતદાન થાય છે

શહેરમાં મોટાભાગના મતદાન મથકો ઘરની નજીક જ હોય છે. ઉપરાંત અનેકવિધ સુવિધાઓ પણ હોય છે જેથી મતદારો સરળતાથી મતદાન કરી શકે છે. પણ ગ્રામ્યમાં તો મતદાન મથકો દૂર પણ હોય છે અને ખેતી સહિતના કામમાં રોકાયેલ મતદારો તમામ અસુવિધાને અવગણીને મોટા પ્રમાણમાં મતદાન કરે છે.

નોટા પણ અનેકના ખેલ બગાડશે!

ચૂંટણી પંચ દ્વારા મતદારોને નોટાનો પણ વિકલ્પ આપવામા આવે છે. જે મતદારને કોઇ ઉમેદવાર પસંદ ન હોય, અથવા તેને ચૂંટણીમાં રસ જ ન હોય તો તેઓ નોટામાં મત આપે છે. એટલે આ મતદારો ઓફિસયલી મતદાન કરે છે. પણ હકીકતમાં મતદાન કરતા નથી. આ ચૂંટણીમાં નોટા પણ અનેક ઉમેદવારોના ખેલ બગાડી નાખે તેવી શકયતા સેવાઈ રહી છે.

યુવા અને શહેરી મતદારોને પક્ષ તરફ પસંદગી ઓછી મળે છે?

અનેક ચૂંટણીમાં શહેરી અને યુવા મતદારોનું મતદાન ઓછું નોંધાય છે. તયર્સ ગુજરાતમાં પણ આવું થવાની શકયતા સેવાઈ રહી છે. ત્યારે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આની પાછળનું કારણ યુવા અને શહેરી મતદારોની ઉમેદવારોની પસંદગીની પક્ષો દ્વારા અવગણના થતી હોય તેના કારણે પણ લોકો મત આપવા જતા હોતા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.