• પાકિસ્તાનના રાજદૂતે કાશ્મીર, સીએએ અને અયોધ્યામાં રામ મંદિરના મુદ્દે ટિપ્પણીઓ કરતા ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે સણસણતા જવાબો આપ્યા

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એકવાર પાકિસ્તાનને ફટકાર લગાવી છે.  ભારતે પાકિસ્તાનની આકરી ટીકા કરતા કહ્યું કે પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ દરેક બાબતમાં ખરાબ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ’શાંતિની સંસ્કૃતિ’ વિષય પર જનરલ એસેમ્બલીની બેઠક યોજાઈ હતી, જેમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે ભારત વિરૂદ્ધ ભાષણબાજી કરી હતી અને કાશ્મીર, સીએએ અને અયોધ્યામાં રામ મંદિરના મુદ્દે ભારત વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી.  આનો જવાબ આપતાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા.

રુચિરા કંબોજે કહ્યું કે ’આ મીટિંગમાં અમે શાંતિની સંસ્કૃતિ વિશે વાત કરી રહ્યા છીએ.  આવા પડકારજનક સમયમાં આપણું ધ્યાન રચનાત્મક સંવાદ પર હોવું જોઈએ.  આવી સ્થિતિમાં, આપણે એક પ્રતિનિધિમંડળ (પાકિસ્તાન)ની ટિપ્પણીઓને અવગણવી જોઈએ કારણ કે તેમની પાસે શિષ્ટાચારનો અભાવ છે, પરંતુ દરેક બાબતમાં તેમનો પોતાનો ટ્રેક રેકોર્ડ શંકાસ્પદ છે.  તેમના વિનાશક અને હાનિકારક સ્વભાવને લીધે, તેઓ અમારા સામૂહિક પ્રયાસોને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.  કંબોજે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ પ્રતિનિધિમંડળ સન્માન અને મુત્સદ્દીગીરીના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરે.

ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું કે ’આતંકવાદ શાંતિની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને તે કરુણા, સહઅસ્તિત્વ જેવા ધર્મના ઉપદેશોની પણ વિરુદ્ધ છે.  આપણો દેશ માને છે કે આખું વિશ્વ એક પરિવાર છે અને સંયુક્ત રાષ્ટ્રની એસેમ્બલીના તમામ સભ્ય દેશોએ પણ આ માનવું જોઈએ જેથી કરીને શાંતિની સંસ્કૃતિને આગળ વધારી શકાય.  કંબોજે કહ્યું કે વૈશ્વિક પડકારો વધી રહ્યા છે.  વધતી અસહિષ્ણુતા, ભેદભાવ અને ધર્મ આધારિત હિંસાના પડકારો પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.  અમે ચર્ચ, બૌદ્ધ સ્થળો, ગુરુદ્વારા, મસ્જિદો, મંદિરો અને યહૂદી ધર્મસ્થાનો જેવા પવિત્ર સ્થળો પર હુમલાની વધતી ઘટનાઓથી ચિંતિત છીએ.  ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં દરરોજ હિંદુ મંદિરો અને ગુરુદ્વારા પર હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે.

કંબોજે કહ્યું કે ’અહિંસાનો મંત્ર મહાત્મા ગાંધીએ આપ્યો હતો અને તે આજે પણ આપણા દેશનો આધાર છે.  પાકિસ્તાનને અરીસો બતાવતા ભારતના પ્રતિનિધિએ કહ્યું કે ભારત માત્ર હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મનું જન્મસ્થળ નથી પરંતુ ઇસ્લામ, યહુદી, ખ્રિસ્તી અને પારસી જેવા ધર્મો માટે પણ મજબૂત આધાર ધરાવે છે.  શોષણનો સામનો કરનારા તમામ વર્ગો અને ધર્મોના લોકોને આશ્રય આપવાનો અને વિવિધતામાં એકતા જાળવી રાખવાનો ભારતનો ઇતિહાસ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.